Editorial

વિકસીત દેશોમાં ભારતીય કંપનીઓનું યોગદાન: એક ગૌરવની બાબત

અનેક ભારતીય કંપનીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાઠું કાઢવા માંડી છે. આમ તો ટાટા ગ્રુપની કંપનીઓ અને અન્ય કેટલીક કંપનીઓ તો ઘણા વર્ષોથી વિદેશોમાં કાર્યરત હતી પરંતુ હવે વધુ પ્રમાણમાં ભારતીય કંપનીઓ વિદેશોમાં કામગીરી કરતી થઇ છે. આમાં પણ અમેરિકા, કેનેડા જેવા વિકસીત દેશોમાં ભારતીય કંપનીઓ રોકાણ કરીને નોંધપાત્ર પ્રમાણમાં ધંધો કરવા માંડી છે તે એક ગૌરવની બાબત છે. હાલમાં એક અહેવાલ આવ્યા છે કે અમેરિકામાં દોઢસો કરતા વધુ કંપનીઓએ અત્યાર સુધીમાં ૪૦ અબજ ડોલરથી પણ વધુ રકમનુ રોકાણ કરીને સવા ચાર લાખ કરતા વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૬૩ જેટલી ભારતીય કંપનીઓએ ૪૦ અબજ ડોલર કરતા વધુ રકમનું રોકાણ કર્યું છે અને તે દેશમાં ૪૨૫૦૦૦ જેટલી નોકરીઓનું સર્જન કર્યું છે, એમ એક સર્વેક્ષણ જણાવે છે. તો કેનેડામાં ભારતીય કંપનીઓએ ૬ અબજ કેનેડિયન ડોલર કરતા વધુ રકમનું રોકાણ કરીને હજારો નોકરીઓનું સર્જન કર્યુ છે એવો પણ એક અહેવાલ છે.

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(સીઆઇઆઇ) દ્વારા ઇન્ડિયન રૂટ્સ, અમેરિકન સોઇલ ના નામે અમેરિકામાં કરવામાં આવેલ સર્વેમાં અમેરિકામાં ભારતીય કંપનીઓ અંગેની વિગતો બહાર આવી છે, જે સર્વે ભારત માટેના અમેરિકાના ડેઝીગ્નેટેડ એમ્બેસેડર એરિક ગાર્સેટ્ટીની હાજરીમાં અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત તરણજીત સિંઘ સંધુ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. આ સર્વેનો અહેવાલ એમ પણ જણાવે છે કે અમેરિકામાં ભારતીય કંપનીઓએ કોર્પોરેટ સામાજીક જવાબદારીઓ પાછળ ૧૮પ મિલિયન ડોલર જેટલી રકમ ખર્ચી છે અને અમેરિકા સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેકટોને તેમના દ્વારા અપાયેલા નાણા એક અબજ ડોલર જેટલા થાય છે.

અમેરિકામાં ભારતીય કંપનીઓ મજબૂતાઇ, મક્કતા અને સ્પર્ધાત્મકતા લાવી છે. તેઓ નોકરીઓનું સર્જન કરે છે, સ્થાનિક સમુદાયોને ટેકો આપે છે અને ક્ષમતા તથા ટેકનીકલ જાણકારી ઉભી કરે છે. સર્વે જણાવે છે કે અમેરિકામાં ૧૬૩ જેટલી ભારતીય કંપનીઓએ ૪૦ અબજ ડોલર જેટલું રોકાણ કરીને ત્યાં ચાર લાખ પચ્ચીસ હજાર જેટલી નોકરીઓનું સર્જન કર્યું છે. સીઆઇઆઇના ડિરેકટર જનરલ ચંદ્રજીત બેનરજીએ કહ્યુ હતું કે ભારતીય કંપનીઓએ અમેરિકાના બજારમાં મજબૂતાઇ અને પ્રતિબધ્ધતા બતાવી છે. ભારતીય કંપનીઓ દ્વારા સૌથી વધુ નોકરીઓનું સર્જન ટેકસાસમાં કરવામાં આવ્યું છે જે ૨૦૯૦૬નો આંકડો છે જેના પછી ૧૯૧૬૨ના આંક સાથે ન્યૂયોર્કનો ક્રમ આવે છે.

ત્યારબાદ ન્યૂજર્સી, વૉશીંગ્ટન, ફ્લોરિડા, કેલિફોર્નિયા, જ્યોર્જિયા, ઓહિયો વગેરેમાં પણ તેમણે નોંધપાત્ર નોકરીઓ ઉભી કરી છે. બીજી બાજુ ભારતીય કંપનીઓએ કેનેડામાં ૬.૬ અબજ કેનેડિયન ડોલરનું રોકાણ કરીને હજારો નોકરીઓનું સર્જન કર્યું છે, અને તેમાંની તમામ કંપનીઓ ભવિષ્યમાં વધુ રોકાણ કરવાનું આયોજન કરી રહી છે એમ ટોરેન્ટોમાં સીઆઇઆઇના બહાર પડેલા એક રિપોર્ટે જણાવ્યું છે. ફ્રોમ ઇન્ડિયા ટુ કેનેડા: ઇકોનોમિક ઇમ્પેક્ટ એન્ડ મેનેજમેન્ટ એ નામનો આ અહેવાલ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા તેમની ટોરેન્ટો શહેરની તાજેતરની મુલાકાત દરમ્યાન બહાર પાડવામાં આવ્યો હતો અને ભારતીય ઉદ્યોગની કેનેડામાં વધતી હાજરીને પ્રકાશમાં લાવવાનો આ પ્રથમ જાણીતો પ્રયાસ છે.

આ અહેવાલ એ બાબત પર પ્રકાશ ફેંકે છે કે કઇ રીતે ભારતીય કંપનીઓ કેનેડાના અર્થતંત્રમાં એફડીઆઇના સ્વરૂપે ફાળો આપે છે, નોકરીઓનું સર્જન કરે છે અને નોકરીઓ બચાવે છે અને સંશોધન તથા વિકાસકાર્યોમાં ભંડોળ આપે છે અને સાથો સાથ સ્થાનિક કોર્પોરેટ સામાજીક જવાબદારીઓના કાર્યોમાં પણ ફાળો આપે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બધુ મળીને ૩૦ ભારતીય કંપનીઓએ કેનેડામાં કુલ ૬.૬ અબજ કેનેડિયન ડોલરના રોકાણ સાથે આઠ કેનેડિયન પ્રાંતોમાં અંદાજે ૧૭૦૦૦ લોકોને રોજગારી આપી છે.

ભારતીય કંપનીઓ દ્વારા કેનેડામાં સહિયારો સંશોધન અને વિકાસ પાછળનો ખર્ચ ૭૦૦ મિલિયન કેનેડિયન ડોલર કરતા વધારે છે અને જેમનો સર્વે કરવામાં આવ્યો છે તેમાંથી ૮પ ટકા જેટલી કંપનીઓ ભાવિ રોકાણ માટેની આશા રાખે છે એ મુજબ અહેવાલ જણાવે છે. અને આ તો અમેરિકા અને કેનેડામાં ભારતીય કંપનીઓ અંગે હાલમાં સર્વેક્ષણો થયા છે તેના અહેવાલ આવ્યા છે તેના પરથી આ માહિતીઓ બહાર આવી છે. પરંતુ અમેરિકા અને કેનેડા ઉપરાંત પણ યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા બીજા વિકસીત દેશોમાં પણ અનેક ભારતીય કંપનીઓ કાર્યરત છે.

અનેક ભારતીય કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું છે જેમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, વિપ્રો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્ર, સોનાટા સોફ્ટવેર, વોલ્ટાસ, ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ વગેરે અનેક જાણીતા નામો છે. એરટેલ ભારતી જેવી ભારતીય ટેલિકોમ કંપનીએ અન્ય કેટલાક દેશોમાં પણ તેની ટેલિકોમ સેવાઓ શરૂ કરી છે. ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢે તે ચોક્કસ ગૌરવની વાત છે પરં તુ સાથે એ પણ વાસ્તવિકતા છે કે વિકસીત દેશોની જેટલી કંપનીઓ ભારતમાં કાર્યરત છે તેમની સામે ભારતીય કંપનીઓની વિકસીત દેશોમાં સંખ્યા ખૂબ ઓછી છે. જેમ કે ભારતમાં ૨૦૦૦ કરતા વધુ અમેરિકી કંપનીઓની હાજરી છે તેની સામે અમેરિકામાં ૧૫૦થી થોડી વધુ ભારતીય કંપનીઓની હાજરી છે. આમ હજી આંતરરાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢવામાં ભારતીય કંપનીઓએ ઘણી મજલ કાપવાની બાકી છે.

Most Popular

To Top