સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની મેનેજિંગ કમિટીની 21 બેઠક માટે સ્ટેડિયમ પેનલના કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે પરંપરાગત હરીફ પરિવર્તન પેનલના 5 ઉમેદવારને સમાવી લેતાં ગઠબંધન પેનલના 21 ઉમેદવાર મેદાનમાં ઊતર્યા છે. તેઓ સામે SDCAના તત્કાલીન પ્રમુખ સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરની દીકરી યેશા કોન્ટ્રાક્ટરે પણ 21 ઉમેદવાર ઉતારતાં ચૂંટણી જંગ કોન્ટ્રાક્ટર પરિવારના કાકા અને ભત્રીજી વચ્ચેનો બની રહેશે.
- કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સામે સગી ભત્રીજી યેશા હેમંત કોન્ટ્રાક્ટરે પેનલ ઉતારી ચૂંટણી જંગ રોચક બનાવ્યો
- SDCAની ચૂંટણીમાં જાતિ અને પ્રાંત મુજબ બંને પેનલમાં ઉમેદવારોની પસંદગી બનાવ્યો
- ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 58 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં 21 બેઠક માટે 43 ઉમેદવાર મેદાનમાં રહ્યા
સોમવારે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના 44 પૈકી 23 ઉમેદવારે સાગમટે ફોર્મ પરત ખેંચી લીધાં હતાં. જ્યારે સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલના ઉમેદવારો પાસે ફોર્મ ખેંચાવવા ભારે ખેંચતાણ થઇ હતી. પરિવર્તન પેનલના પ્રણેતા વિપુલ મુનશીની સત્તા લાલસાથી નારાજ 5 અગ્રણીએ યેશા કોન્ટ્રાક્ટરને ટેકો જાહેર કરી ફોર્મ ખેંચી લીધાં હતાં.
ચૂંટણીનું સમીકરણ ગોઠવવા સ્ટેડિયમ પેનલના એક-બે ઉમેદવાર છેક છેલ્લી ઘડીએ બદલવા પડ્યા હતા. બંને પેનલે રાજકીય પક્ષોની જેમ જાતિ જ્ઞાતિ, પ્રાંત પ્રદેશ મુજબ ઉમેદવારો ઊભા કર્યા છે. બંને પેનલોમાં કોળી પટેલ, મોઢવણિક, ખત્રી, અનાવિલ, જૈન, પારસી, રાજસ્થાની, પંજાબી એમ બધાં સમીકરણ ગોઠવવામાં આવ્યાં છે.
આ સ્થિતિમાં બંને પેનલમાં મતદારોની સંખ્યા મુજબ જાતિ જ્ઞાતિ, પ્રાંત પ્રદેશ મુજબ ઉમેદવારો મેદાનમાં ઊતરતાં ચૂંટણીનોએ ઝઘડો સમાજના મતદારો સુધી પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 58 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં 21 બેઠક માટે 43 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. 21 ઉમેદવાર કનૈયાભાઈની સ્ટેડિયમ પેનલના અને 21 ઉમેદવાર યેશા હેમંત કોન્ટ્રાક્ટરની પેનલના રહ્યા હતા. એડ્વોકેટ જયેશ રામજી પટેલ ઉર્ફે જયેશ મગદલ્લાએ અપક્ષ તરીકે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે.
પરિવર્તન પેનલના ઉમેદવારો સમાવવા 6 વર્તમાન ડિરેક્ટર રમતમાંથી બહાર
સ્ટેડિયમ પેનલના કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે પરંપરાગત હરીફ પરિવર્તન પેનલના 5 સભ્ય સમાવવા પોતાની પેનલના કેટલાક ઉમેદવારોને SDCAની ચૂંટણીની રમતમાંથી બહાર કરવા પડ્યા હતા. બે વર્ષ અગાઉ ચૂંટણી જીતેલા મિતુલ શાહ, હેમંત જરીવાળા, ગોવિંદ મોદી, યતીન દેસાઈ, દેવરાજ મોદીને આ વખતે સ્થાન મળ્યું નથી.
તો પરિવર્તન પેનલના સીટિંગ સભ્ય ક્રિકેટર ધનસુખ પટેલે ફોર્મ ખેંચી લીધું હતું. સ્ટેડિયમ પેનલમાં 22 ઉમેદવાર રહી ગયા પછી અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ ખેંચવા આગળ નહીં આવતાં સ્ટેડિયમ પેનલના સીટિંગ સભ્ય કિરીટ દેસાઈએ સ્પોર્ટ્સમેનશિપ દાખવી ફોર્મ ખેંચી લીધું હતું.
સ્ટેડિયમ પેનલના ઉમેદવારો
કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર, હિતેશ ડી.પટેલ, ડો.નૈમેષ દેસાઈ, સીએ મયંક દેસાઈ, રાકેશ સરાવગી, હિતેન્દ્ર મોદી, અનિલ જુણેજા, રમેશ શાહ, અમિત ગજ્જર, કિશોર પટેલ, ધવલ શાહ, મિતુલ મહેતા, એડ્વોકેટ મનીષ પટેલ, અનિલ દલાલ, દીપ શાહ, અશ્વિન ભાદાણી, વિપુલ મુનશી, હરીશ ઉમરીગર, સંજય પટેલ, નિસર્ગ પટેલ અને પ્રમોદ મદ્રાસી
પરિવર્તન પેનલના ઉમેદવારો
યેશા હેમંત કોન્ટ્રાક્ટર, અક્ષરા હેમંત કોન્ટ્રાક્ટર, મહેક નરેન્દ્ર ગાંધી, મયૂર ગોળવાલા, પારસ સુરેશ શાહ, વિનય અગ્રવાલ, પરેશ જરીવાલા, દેવેન્દ્ર ગરૂડા, નિરંજન દેસાઈ, કોન્ટ્રાક્ટર જિગ્નેશ ઉમાકાન્ત, હિરોઈઝ રુસ્તમ ગાંધી, યશેષ સ્વામી, પ્રતીક નવીન પટેલ, રોહન હેમંત દેસાઈ, સંકેત ગિરીશ દેસાઈ, રાશી અમિત ઝુનઝુનવાળા, મુકેશ ખુરાના, સૌરભ જશવંત દારૂવાલા, કેતન ધનજી પટેલ, ઋષિત કનક મહેતા અને વિપુલસિંહ દેસાઈ
