સાધનાનો ક્યારેય ક્ષય નથી થતો એ વાતને સમજાવ્યા પછી હવે ફરી કૃષ્ણ ભગવાન સાતત્યપૂર્ણ અભ્યાસનો મહિમા પ્રગટ કરી રહ્યા છે. કોઈ બાળકને ૯ વર્ષની વયે લકવો થયો હોય, વ્હિલચેરમાં બેસવા માટે પણ બીજાની મદદની જરૂર પડતી હોય અને લાકડીના ટેકે પણ ચાલી શકવા સક્ષમ ન હોય તેવો બાળક ઓલમ્પિકમાં ઊંચીકૂદમાં ગોલ્ડ મેડલ મેળવી શકે ખરો ?આપણો જવાબ હશે ‘ના’.
પરંતુ અમેરિકાના વૅાલ્ટર ડૅવિસે સાતત્યપૂર્ણ પ્રયત્ન દ્વારા મોન્ટ્રીઅલ ઓલમ્પિકમાં ૨.૪ મીટરનો કૂદકો લગાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તેણે પોતાની કાર્યસિદ્ધિનું રહસ્ય જણાવતાં કહ્યું હતું : “It is my constant perseverance for the highest goal.” અર્થાત્ શ્રેષ્ઠ ધ્યેય માટે મારો સાતત્યપૂર્ણ અખંડિત પુરુષાર્થ છે. એટલે જ, એક અંગ્રેજી કહેવતમાં કહ્યું છે : “Slow and steady wins the race.” ધીમા પણ સાતત્યપૂર્ણ પ્રયત્નથી વિજયી થાય છે.” ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૩૩માં જણાવે છે: “મનુષ્યદેહે કરીને ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય.” જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થર પર પાણી સિંચવાના નરમ દોરડાના વારંવારના ઘર્ષણથી કાપા પડી જાય છે, તેમ કોઈપણ ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ અભ્યાસ કરવાથી, તેનું વારંવાર પુનરાવર્તન કરવાથી સફળતાનાં શિખરો સર કરી શકાય છે.
એટલે જ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે-“પૂર્વાભ્યાસેન તેનૈવ હ્રિયતે હ્યાવશોપિ” (ગીતા ૬/૪૪) પૂર્વે કરાયેલ સતત અભ્યાસ પણ યોગની સંસિદ્ધિ માટે ઉપયોગી થાય છે. હા, સતત કરાયેલ પ્રયાસ અનેરી સિદ્ધિ અપાવે છે. ગણિતના મહાવિદ્વાન ડૉ. એન.એમ. શાહને તેમની સિદ્ધિનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે: ‘રોજના ૧૮ કલાક, સતત ૨૦ વર્ષ સુધી – N0 Sunday, No holiday, No Vacation.’ ખરેખર, કોઈ વ્યક્તિ દિવસ અને રાત જોયા વગર શ્રદ્ધાપૂર્ણ, સતત અને સખત પુરુષાર્થ કરે ત્યારે વિઘ્ન કે દુઃખનું સામર્થ્ય નથી કે તેને સફળ થતાં રોકી શકે. બસ, જરૂર છે સાતત્યપૂર્ણ અભ્યાસની.
એક મૂર્ખ વિદ્યાર્થીને વારંવાર પ્રયત્ન કરવા છતાં વિદ્યા ચઢે જ નહિ. તે અનેકવાર ગુરુજી સમીપે જઈને યાદશક્તિ વધારવા વિશે પૂછે. તેથી એક દિવસ ગુરુજીએ તેને એક તુંબડી ભરીને તલ આપતાં કહ્યું: “હે વત્સ, તારે એક તલ લઈ એક શ્લોક બોલવો. ફરી બીજો તલ લઈ એ જ શ્લોક પુનરાવર્તિત કરવો. એમ આખી તુંબડી તલથી ભરાઈ જાય ત્યાં સુધી એકનો એક શ્લોક બોલવો. તારા માટે આ જ યાદશક્તિની ઉત્તમ રીત છે.”
આ વિદ્યાર્થીના જીવનમાં અભ્યાસનો અભાવ હતો પરંતુ શ્રદ્ધાનો નહિ. તેથી, આવા કઠિન ઉપાયથી પણ તે અતિશય રાજી થયો. તેણે એ પ્રમાણે એક-એક શ્લોક ગોખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણો સમય લાગતો, પરંતુ તેણે શ્રદ્ધા ન ગુમાવી. સાતત્યપૂર્ણ અભ્યાસ કરતાં કરતાં અંતે તેની યાદશક્તિ ખીલવા માંડી. ધીરે ધીરે તેને અડધી તુંબડીએ શ્લોક યાદ રહી જવા લાગ્યા. અંતે તે મૂર્ખ વિદ્યાર્થીમાંથી મહાવિદ્વાન બન્યો. લોકમાં તેઓ ‘તલતુંબડિયા શાસ્ત્રી’ તરીકે પ્રસિદ્ધ થયા. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, “ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે. અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવી શ્રદ્ધા રાખે. ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં.”
કોઈપણ ક્ષેત્રમાં સાતત્ય વિના સિદ્ધિ નથી. પછી તે અધ્યાત્મ માર્ગ હોય કે લૌકિક માર્ગ હોય! સંગીતકારો નિત્ય અભ્યાસ કરે છે. જો એક દિવસ પણ ચૂકી જાય તો તેમને જ અનુભવ થાય કે આજે બરાબર ગવાયું નહિ. ફિટ્ઝ કેઈસ્લર નામના વિખ્યાત વાયોલિન વાદકને તેની આ કળાનું રહસ્ય જાણવા પ્રશ્ન પૂછ્યો કે, “આટલું સરસ વાયોલિન કેવી રીતે વગાડી શકો છો ?” પ્રત્યુત્તરમાં તેણે જણાવ્યું કે : “મારી સફળતાનો પાયો છે નિત્ય અભ્યાસ. જો હું એક દિવસ અભ્યાસ ન કરું તો મારું મન તફાવત પકડે, એક અઠવાડિયું ન કરું તો મારી પત્ની અને એક મહિનો ન કરું તો મારા શ્રોતા પણ તફાવત પકડી શકે. માટે હું સતત અને સખત અભ્યાસ કરું છું.” એટલે જ સાતત્યપૂર્ણ અભ્યાસ અને પુરુષપ્રયત્નનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં પોકારી પોકારીને કહે છે.