આજકાલ મોટાભાગનાં મુખ્ય ગુજરાતી અખબારોમાં દહેજ ન લાવવાને કારણે કે ઓછું લાવવાનું ઓઠું લઈ પત્નિઓને મારઝૂડ કરવાના, કાઢી મૂકવાના, તરછોડી દેવાના કે જીવતી સળગાવી દેવાનાં સમાચાર વાંચી હૈયું કકળી ઉઠે છે. ગામડાઓમાં તો આ દૂષણ વર્ષોથી ઘર કરી ગયું છે, પરંતુ હવે તો મોટા શહેરોમાં પણ આ દૂષણે પગપેસારો કર્યો છે. અભણ કે નિરક્ષર લોકો તો આ સામાજિક કોચલામાંથી બહાર આવી શકતાં નથી, પરંતુ ઉચ્ચ શિક્ષિત વર્ગ પણ આમાંથી બાકાત નથી. ભારતના અમુક રાજ્યોમાં તો આ દહેજ નામના દાનવે એવો ભરડો લીધો છે કે, છોકરીના માવતરે છોકરાવાળાને ફરજીયાત દહેજ, પહેરામણી કે દાયજો આપવો જ પડે છે, નહી તો લગ્નનાં માંડવેથી છોકરાવાળા બારાત પાછી વાળી કન્યાવાળા પક્ષને ધૂંટણિયે પાડવા મજબૂર કરે છે.
દહેજ ચૂકવવાની લ્હાયમાં છોકરીનાં પિતાને દેવું કરવાના, લોન લેવાના, જમીન જાયદાદ વેચી દેવાના કે ગિરવી મૂકવાના સંજોગો ઉભા થાય છે. દહેજના ખપ્પરમાં કેટલીય કોડભરી કન્યાઓનાં જીવતર રોળાય છે. લોકો સામાન્ય લોજિક ચલાવતાં નથી કે દહેજનો પૈસો આખી જિંદગી ચાલવાનો નથી, પરંતુ એક ગરીબ પણ ખાનદાન છોકરી પોતાના સંસ્કારો થકી સાસરવેલની શોભા વધારે છે. જેમજેમ જમાનો બદલાય તેમ તેમ લોકોએ જૂની પ્રથા, કુરિવાજો, જૂની રીત રસમો વિગેરેનાં ઢાંચામાંથી બહાર આવી દરેકને અનુકૂળ આવે એવા રીતરિવાજો બનાવી, આ દહેજ નામના દૂષણને હંમેશને માટે દૂર કરી દેવો જોઈએ. જો હજૂ પણ આ દૂષણને નાથવામાં નહી આવે તો કેટલીય નિર્દોષ કન્યાઓના જીવની બાજી દાવ ઊપર લાગશે અને સમાજ મૂંગા મોંઢે આ અન્યાય અને અત્યાચાર સહેતો રહેશે.
પંચમહાલ – યોગેશભાઈ આર જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.