Columns

દેશભરમાં વર્લ્ડક્લાસ, મોંઘીદાટ,સુપર સ્પેશ્યાલિટી ઇમ્પોર્ટેડ કોફીની ખપત સૌથી વધુ સુરતમાં

એવું માનવામાં આવે કે ગુજરાતીઓ અને તેમાંય સુરતીઓને તો ચાનો જ ભારે ચસ્કો. જોકે, હવે સુરતના અર્બન યુથમાં કોફીનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. પણ શું તમે જાણો છો કે ઉચ્ચ વર્ગના યંગ સુરતીઓ વર્લ્ડ ક્લાસ ગણાતી કેટલીક ઇમ્પોર્ટેડ કોફીના રિઅલ ટેસ્ટના પારખું જ નહી, જબરા શોખીન પણ છે. એટલો શોખ કે ઊંચી કિંમતની ઈમ્પોર્ટેડ કોફી આખા ભારતમાં સુરતમાં સૌથી વધુ વેચાય અને પીવાય છે! આ જાણીને અમને પણ નવાઈ લાગી પરંતુ જ્યારે વિશ્વના 8થી વધુ દેશમાંથી 120 ટકા ઊંચી આયાત ડ્યુટી ચૂકવીને મોંઘી કોફી ઈમ્પોર્ટ કરતા સપ્લાયરે આ દાવો કર્યો તો માનવો પડ્યો. સુરતમાં દર મહિને 20 કિલો ઈમ્પોર્ટેડ કોફીની ખપત છે, જે દેશમાં સૌથી વધુ છે. આ ઈમ્પોર્ટેડ કોફી 12 હજારથી 36 હજાર કિલોની કિંમતની હોય છે, જેનો એક કપ કોફીનો ભાવ 400થી 1200 રૂપિયા હોય છે. સુરતના પસંદગીના કાફેમાં જ આ ઈમ્પોર્ટેડ કોફી વેચાય છે અને શોખીનો ખાસ તે કોફીનો સ્વાદ માણવા તે કેફેમાં જાય છે. તો આવો, 1લી ઓક્ટોબરે જ્યારે વિશ્વ કોફી દિવસ છે તે નિમિત્તે જાણીએ સુરતીઓના આ વર્લ્ડક્લાસ સ્પેશ્યાલિટી કોફીના ચસ્કા વિશે વધુ…

લેટિન અમેરીકા, આફ્રિકાના કોફી બીન્સ અને અમેરિકા, યુરોપની વર્લ્ડ ક્લાસ બ્રાન્ડ્સની સુરતમાં ખપત


આફ્રિકા અને લેટિન અમેરિકાના કેન્યા, ઈથોપિયા, રવાન્ડા, કોલંબિયા, કોસ્ટારિકા, પનામા, બ્રાઝિલ જ્યારે એશિયાના ઈન્ડોનેશિયાથી કોફી બીન્સ ઈમ્પોર્ટ થાય છે. જ્યારે વિશ્વવિખ્યાત ઈમ્પોર્ટેડ કોફીની બ્રાન્ડ્સ ધી બાર્ન (જર્મની), બ્લ્યુ બોટલ (USA), કોફી કલેક્ટિવ (ડેનમાર્ક), કાવા (ફ્રાન્સ), લુના (કેનેડા) પણ સુરતમાં વેચાય અને પીવાય છે.
સુરતીઓ સ્પેશ્યિાલિટી કોફી માટે એક કપનાં રૂા. 1500 ખુશીથી ચુકવે છે : બ્રિજેશ બચકાનીવાલા, કેફે ઓનર
સુરતીઓને સાત વર્ષ પહેલાં અમારા કેફેમાં અમે ઈમ્પોર્ટેડ સુપર સ્પેશ્યાલિટી કોફી પીરસવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે લોકો કોફીના રિઅલ ટેસ્ટને સમજતા થયા. આજે કમર્શ્યિલ કોફી પીરસતા કેફે કરતા દોઢ ગણી ઘરાકી અમારે ત્યાં હોય છે. નિયમિત ગ્રાહકો ક્યારેક સ્પેશ્યાલિટી કોફી માટે ખુશીથી એક કપના 1500 રૂપિયા પણ ચૂકવે છે.
કોફીના સ્કોર પરથી તેની ક્વોલિટી જાણી શકાય


વિશ્વભરમાં કોફીને સ્પેશ્યાલિટી કોફી અસોસિયેશન દ્વારા નિયત સ્કોર પ્રમાણે ઓળખાય છે. 100માંથી 80 સુધીનો સ્કોર હોય તો કોમર્શ્યલ કોફી ગણાય જ્યારે 80થી 90 સ્કોરને સ્પેશ્યાલિટી કોફી અને 90 પ્લસ સ્કોરને સુપર સ્પેશ્યાલિટી કોફી ગણાય.
કોફીની આયાત પર ડ્યુટી ઘટવી જોઈએઃ અમીત પટેલ-ઝોરબા, કૉફી સપ્લાયર


હાલ કોફીના ઇમ્પોર્ટ પર જંગી 120% જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી સરકારે લાદેલી છે.ભારતમાં આમેય વર્લ્ડક્લાસ ગણાતી સુપર સ્પેશિયાલિટી કોફીનું ઉત્પાદન થતું જ નથી. ખૂબ ઊંચી આયાત ડ્યુટીને કારણે આવી શ્રેષ્ઠ ગણાતી કોફીનો સ્વાદ માત્ર ગણ્યાં ગાંઠયા સંપન્ન લોકોને જ પરવડી શકે તેવી કિમતે ભારતમાં વેચાય છે. જો કોફી પરની ડ્યુટીમાં સારો એવો ઘટાડો કરવામાં આવે તો આ સ્પેશ્યાલિટી કોફી દેશમાં વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય અને તેનો સ્વાદ તમામ કોફી રસિકો માણી શકે.

Most Popular

To Top