SURAT

ઓનલાઈન સસ્તો સામાન ખરીદવાની લાલચમાં ભેરવાતા નહીં, સુરતમાં થયો મોટા સ્કેમનો ખુલાસો

સુરતઃ સોશિયલ મીડિયા ફેસબુક પરથી બોગસ વેબસાઈટ બનાવી સસ્તામાં ઘરવખરીનો સામાન વેચવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવી લેનારી ચીટર ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 8.35 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર 12 ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ ફેસબુક પરથી એક બોગસ વેબસાઈટ બનાવી હતી, જેમાં સસ્તામાં કિચન સહિત ઘરનો અન્ય સામાન વેચવાની જાહેરાતો મુકવામાં આવી હતી. સસ્તામાં સામાન વેચવાની લાલચ આપી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા.

ગ્રાહકો ઓર્ડર આપે ત્યાર બાદ પ્રોડક્ટની ડિલીવરી જ કરવામાં આવતી નહોતી. આ રીતે હજારો-લાખો ગ્રાહકોને છેતરી ચીટર ટોળકીએ કરોડો રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે 3 સૂત્રધાર સહિત 6 જણાની ધરપકડ કરી છે. જેમાં આશીષ રાધવ હડીયા, સંજય કાતરીયા, પાર્થ ધનજી સવાણી, સાગર વિનુ ખૂંટ , દિલીપ ધીરૂ પાધડાળ અને યશ ભીખા સવાણી નો સમાવેશ થાય છે.

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પિયુષ વિનુ ખુંટ હોવાનું જાણવા મળ્યું છે. તે વોન્ટેડ છે. પિયુષે તેના સાગરિતો સાગર ખૂંટ અને તેના ભાઈ પ્રિયુશ ખુંટ તથા આશીષ હડીયા સાથે મળી કૌભાંડ આચર્યું છે. આ ભેજાબાજો પોતે 12 જ ભણેલા હતા પરંતુ તેઓએ બી.ટે્ક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખ્યા હતાં.

આ રીતે તેઓએ બોગસ વેબસાઇટ બનાવી હતી. છેલ્લા દોઢ વર્ષમાં બોગસ વેબસાઈટ પરથી ચીટરોએ 20થી 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફલીપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુક્તા હતા.

આ ઠગાઈમાં સીમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કિટો આશીષ હડીયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો. આશીષ 5 થી 10 હજારની લોકોને લાલચ આપી બેંકની કિટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય શકે છે.

આ કેસમાં નવાઈની વાત એ બહાર આવી છે કે મુખ્ય સૂત્રધારો માત્ર 12 ચોપડી ભણેલા છે. લોકોને છેતરવાના ઈરાદે ભેજાબાજોએ સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં 3 દુકાનો ભઆડે રાખી હતી. તેઓએ ફેસબુક પર ફિલપકાર્ટ જેવી બોગસ વેબસાઈટ બનાવી આકર્ષક જાહેરાતોથી ગ્રાહકોને આકર્ષ્યા હતા.

Most Popular

To Top