સુરત: વીર નર્મદ યુનિ. સંલગ્ન સરકારી મેડિકલ કોલેજના એલ્યુમિનિ એસોસિયેશને સાકાર કરેલા સ્પોર્ટસ સંકુલનું શુક્રવારે ભાજપા અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે ઉદઘાટન કર્યું હતું.
યુનિ. સંલગ્ન પાંચ દાયકા જૂની સરકારી મેડિકલ કોલેજના એલ્યુમિનિ એસોસિયેશનના સભ્યોએ પ્રશંસનીય પહેલ ભરી સ્વભંડોળથી ચાળીસ લાખની માતબર રકમથી વોલીબોલ, ફૂટબોલ તેમજ ટેનિસ સહિતની રમતગમત માટે સ્પોર્ટસ સંકુલ બનાવ્યું હતું. કોરોના પહેલાં આ સ્પોર્ટસ સંકુલ બન્યું હતું. પરંતુ કોરોનાની મહામારીને પગલે આ સમગ્ર રમતગમત સંકુલનો ઉદઘાટન સમારોહ ઘોંચમાં પડ્યો હતો. શુક્રવારે સવારે રાજ્યના ભાજપા અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર.પાટીલે સ્પોર્ટસ સંકુલને ખુલ્લો મૂક્યો છે.
તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર-2021 સુધીમાં સ્પોર્ટસ સંકુલને ફુલ ફ્લેજ્ડ સાકારીત કરાશે. તેમને પોતાના તરફથી વ્યક્તિગત ધોરણે રમતગમત સંકુલ માટે પાંચ લાખનું અનુદાન આપ્યું હતું. આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પટેલ સહિત સરકારી મેડિકલ કોલેજના ડીન અને એલ્યુમિનિ એસોસિયેશનના પ્રમુખ ડો.મહેન્દ્ર ચૌધરી, ઉપપ્રમુખ ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ડો.વિનોદ શાહ સહિત ટ્રેઝરર ડો.કે.એન.ભટ્ટ અને નગરસેવક તેમજ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન પરેશ પટેલ હાજર રહ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલને પણ સાચા અર્થમાં નવી કરી કાયાપલટ કરાશે
યુનિ. સંલગ્ન સરકારી મેડિકલ કોલેજના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના ભાજપા સાંસદ સી.આર.પાટીલે સંબોધન વખતે નવી સિવિલ હોસ્પિટલની કાયાપલટ કરવા સાથે તમામ બિલ્ડિંગ ઉતારી પાડી નવા બનાવવા માટે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં વરસે દહાડે અનેક ગરીબ પરિવારનો લોકો આશાઓ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવે છે. તેમને હજી પણ બહેતર સુવિધા મળે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગ ઉતારી નાંખી નવા આધુનિક સુવિધાસભર સાધનોથી સજ્જ કરી નવો ઓપ અપાશે.
આ પ્રસંગે તેમને કોરોના કાળ દરમિયાન લોકોની સ્વાસ્થ્ય કલ્યાણ માટે સાચા અર્થમાં કામ કરનારા નર્સિંગ સ્ટાફને પણ બિરદાવ્યો હતો. તેમના આગમનને વધાવવા માટે પરિચારીક બહેનો અને સ્ટુડન્ટ્સ તરફથી 108 કમળ અને રંગબેરંગી ફુગ્ગા ઉડાવી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ જાગૃતિબેન, આચાર્ય ડો.ઇન્દ્રાવતી રાવ સહિત કિરણ દોમડિયા અને આગેવાન દિનેશ અગ્રવાલ સહિત ઇકબાલ કડીવાલા હાજર રહ્યા હતા