લોકડાઉનને કારણે ભારતના અર્થતંત્રને જે મરણતોલ ફટકો પડ્યો તેનો પ્રભાવ હવે બેન્કિંગ ક્ષેત્રમાં વર્તાઈ રહ્યો છે. જો બેન્કો દ્વારા કોઈ વ્યક્તિને કે કંપનીને લોન આપવામાં આવી હોય અને તે વ્યાજ ભરવામાં ચૂકી જાય તો ૯૦ દિવસ પછી તેની લોનને નોન પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરવામાં આવે છે, જેને બેન્કિંગની પરિભાષામાં એનપીએ કહેવામાં આવે છે.
જે વ્યક્તિની કે કંપનીની લોન એનપીએ બની ગઈ હોય તેને કોઈ નવી લોન આપવામાં આવતી નથી. જો બેન્ક બીજા ૯૦ દિવસ સુધી લોન વસૂલ ન કરી શકે તો તે લોનની માંડવાળ કરવામાં આવે છે, જેને બેન્કની ખોટ ગણવામાં આવે છે.
સરકારે ગયા વર્ષના માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર કર્યું તે પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક પરિપત્ર બહાર પાડીને બેન્કોને ૬ મહિના સુધી કોઈ પણ લોનને એનપીએ જાહેર કરવા ઉપર રોક લગાવી હતી. આ મુદ્દત સપ્ટેમ્બર મહિનામાં પૂરી થતી હતી ત્યારે સુપ્રિમ કોર્ટે હસ્તક્ષેપ કરીને તે મુદ્દત ૨૦૨૧ ના માર્ચ મહિના સુધી લંબાવી આપી હતી.
હવે સુપ્રિમ કોર્ટ દ્વારા લંબાવી આપવામાં આવેલી મુદ્દત પણ પૂરી થવામાં છે ત્યારે માર્ચ મહિના સુધીમાં ભારતની બેન્કોની બંધ રાખવામાં આવેલી મુઠ્ઠી ખૂલી જવાનો ડર ઊભો થયો છે. બેન્કોને ખબર છે કે તેમનાં ઘણાં ગ્રાહકો દ્વારા લોનના હપ્તાઓ ભરવાના બંધ કરવામાં આવ્યા છે. જો આવતા માર્ચ સુધીમાં તે હપ્તા ભરવામાં નહીં આવે તો બેન્કોને ૩૧ મી માર્ચે તે તમામ લોન બેડ લોન જાહેર કરવાની ફરજ પડશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ૨૦૨૦ ના સપ્ટેમ્બરમાં ભારતીય બેન્કોનો એનપીએ જે ૭.૫ ટકા હતો તે ૨૦૨૧ ના સપ્ટેમ્બરમાં વધીને ૧૪.૮ ટકા સુધી પહોંચી શકે છે.
આ પરિસ્થિતિમાં ભારતની ચારથી નવ બેન્કો તેમના ગ્રાહકોને રૂપિયા ચૂકવી શકશે નહીં. બેન્કિંગ ક્ષેત્રને સંભવિત કટોકટીથી ઉગારી લેવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેડ બેન્કનું સર્જન કરવાનો વિચાર તરતો મૂકવામાં આવ્યો છે.
બેડ બેન્કનો વિચાર વિચિત્ર છે, પણ બેન્કોને ઉગારી લેવા માટે સરકાર વિચિત્ર નિર્ણય લેવા જઈ રહી છે. આ વિચાર મુજબ રિઝર્વ બેન્ક દ્વારા એક નવી બેન્ક શરૂ કરવામાં આવશે, જેનું કામ તમામ બેન્કોની બેડ લોન ખરીદી લેવાનું રહેશે. દાખલા તરીકે કોઈ એક બેન્કની ૧૦૦ કરોડ રૂપિયાની લોન ખોટી થઈ ગઈ છે, જેને પાછી મેળવવા માટે લાંબી કાનૂની કાર્યવાહી કરવી પડે તેમ છે.
આ કાર્યવાહી કર્યા પછી પણ પેલી લોન પાછી આવશે કે કેમ? તેનો કોઈ ભરોસો નથી. તેને બદલે તે બેન્ક ૧૦૦ કરોડની લોન વસૂલ કરવાની સત્તા કોઈ નાણાં સંસ્થાને ૨૫ કરોડ રૂપિયામાં વેચી દે તો તેના હાથમાં તરત ૨૫ કરોડ રૂપિયા આવી જાય અને તેની બેલેન્સ શીટમાં બેડ લોન શૂન્ય થઈ જાય. વર્તમાનમાં કેટલીક ખાનગી નાણાં સંસ્થાઓ આ પ્રકારનો બિઝનેસ કરી જ રહી છે.
હવે સવાલ એ થશે કે ૧૦૦ કરોડની લગભગ ડૂબી ગયેલી લોન ૨૫ કરોડ રૂપિયામાં ખરીદનારી બેડ બેન્કને શું ફાયદો થાય? આ બેન્ક તેના નામ પ્રમાણે બેડ જ હશે. તેણે લોનની રિકવરી કરવા ખાસ પ્રકારનો હોંશિયાર સ્ટાફ રાખ્યો હશે. કદાચ તેઓ તે માટે ગુંડાઓની અને પહેલવાનોની મદદ પણ લેશે.
આ સ્ટાફ લોન લેનારની સંપત્તિ જપ્ત કરશે, તેના પર કાનૂની કાર્યવાહી કરશે અને જાતજાતનાં દબાણો લાવીને લોન વસૂલ કરવાનો પુરુષાર્થ કરશે. જો તેઓ ૨૫ કરોડને બદલે ૫૦ કરોડ રૂપિયા વસૂલ કરી શકે તો તેમને ૨૫ કરોડ રૂપિયાનો કાચો નફો થયો ગણાશે. જો તેની પાછળ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો હોય તો તેમનો ચોખ્ખો નફો ૨૦ કરોડ રૂપિયાનો હશે.
આ સિસ્ટમનો ફાયદો તે હશે કે બેડ બેન્ક પાસે લોનની રિકવરી કરવામાં હોંશિયાર સ્ટાફ હશે. લોન વેચનારી બેન્કે તેવો સ્ટાફ રાખવો નહીં પડે. તેઓ મુખ્ય ધંધા પર ધ્યાન આપી શકશે.
કાગળ ઉપર બેડ બેન્કનો આઇડિયા બહુ આકર્ષક જણાય છે, પણ તેનાં કેટલાંક ભયસ્થાનો પણ છે. સૌથી પહેલો સવાલ એ છે કે જે લોન લગભગ ડૂબી ગઇ છે તે ખરીદવા કોણ તૈયાર થશે? બીજો સવાલ એ છે કે જો બેડ બેન્ક ખોટ કરે તો તે ખોટ કોણ ભરપાઈ કરશે? જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ બેડ બેન્ક શરૂ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે તેમાં જનારી સંભવિત ખોટ પણ રિઝર્વ બેન્ક જ સહન કરશે.
તેનો બોજો કરદાતાઓ ઉપર જ આવશે. વળી બેન્કોની બેડ લોન આ રીતે સાફ કરી શકાતી હોય તો બેન્કો નવી લોન પણ આડેધડ આપશે. તેને કારણે તેમની બેડ લોન વધતી જશે, જેનો ભાર છેવટે તો સરકારી તિજોરી પર જ આવશે. બેન્કોને બેજવાબદારીથી લોન આપતી રોકવાને બદલે તેમને છટકવાનો રસ્તો આપવાથી બેન્કોનો ઉદ્ધાર
થવાનો નથી.
રિઝર્વ બેન્કને બેડ બેન્ક શરૂ કરવાનો આઇડિયા આવ્યો તેના પરથી ખ્યાલ આવે છે કે બેન્કોની હાલત ખરેખર ખરાબ છે. રિઝર્વ બેન્કના જ હેવાલ મુજબ પબ્લિક સેક્ટરની બેન્કોનો એનપીએ જે ૨૦૨૦ ના સપ્ટેમ્બરમાં ૯.૭ ટકા હતો તે ૨૦૨૧ ના સપ્ટેમ્બરમાં વધીને ૧૭.૬ ટકા પર પહોંચી જાય તેમ છે.
બીજા શબ્દોમાં પબ્લિક સેક્ટર બેન્કો દ્વારા આપવામાં આવેલી ૧૭.૬ ટકા લોન બેડ લોનમાં રૂપાંતરિત થઈ જાય તેમ છે. તેને કારણે ચાર મોટી બેન્કો ઊઠી જાય તેમ છે. આ ચાર મોટી બેન્કો કઈ હશે? તેનો ફોડ રિઝર્વ બેન્કના હેવાલમાં પાડવામાં આવ્યો નથી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નબળી પડી ગયેલી બેન્કોને ઉગારી લેવા માટે મર્જરનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
અગાઉ દેશમાં ૨૬ પબ્લિક સેક્ટર બેન્કો હતી. તેનું મર્જર કરીને હવે ૮ બેન્કો બાકી રહી છે. જો તેમાંની પણ ચાર બેન્કો ઊઠી જાય તો દેશમાં હાહાકાર મચી જાય અને લોકોને સરકાર પરનો વિશ્વાસ જ ઊઠી જાય. તેને બદલે બેન્કોની બેડ લોન વેચીને બેન્કોને બચાવવાનો નુસખો વિચારાઈ રહ્યો છે.
ખોટમાં ચાલી રહેલી બેન્કો બેડ લોન વેચીને પણ રાતોરાત નફો કરતી થઈ જવાની નથી. વળી તેને ટકાવી રાખવા ગંજાવર મૂડીની જરૂર પડવાની છે. આ મૂડી બે રીતે ઊભી થઈ શકે છે. એક, સરકાર દ્વારા બેન્કોને બચાવી લેવા માટે પેકેજ આપવામાં આવે. બે, બેન્કો દ્વારા મૂડી બજારમાંથી રૂપિયા એકઠા કરવામાં આવે. તાજેતરમાં મુસીબતમાં મૂકાઈ ગયેલી યસ બેન્ક દ્વારા મૂડી બજારમાંથી રૂપિયા ઊભા કરીને આબરુ ટકાવી રાખવામાં આવી હતી.
આજકાલ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. તે સંયોગોમાં અનેક બેન્કો પોતાના રાઇટ ઇશ્યૂ દ્વારા મૂડી બજારમાં આવી રહી છે. જે બેન્કો પોતાની લોન વસૂલ કરી શકતી નથી તેમાં રોકાણકારો રૂપિયા રોકશે. મધ્યમ વર્ગના રોકાણકારો પાસેથી રૂપિયા લઈને ભારતીય બેન્કો ઉદ્યોગપતિઓની સેવા કરી રહી છે.
રિઝર્વ બેન્ક દ્વારા પબ્લિક કે પ્રાઇવેટ સેક્ટરની બેન્કોને ઉગારી લેવા માટે બેડ બેન્ક શરૂ કરીને તેમાં કરદાતાઓના રૂપિયાનું આંધણ કરવાની કોઈ જરૂર નથી. વર્તમાનમાં ખાનગી રિકવરી કંપનીઓ આ કામ કરી જ રહી છે. જો બેન્કોની લોનમાં દમ હશે તો તેઓ તેનું વેચાણ કરી શકશે. જો રિઝર્વ બેન્ક દ્વારા બેડ બેન્ક શરૂ કરવામાં આવે તો તેણે સરકારના દબાણ હેઠળ દમ વગરની લોન પણ ખરીદવી પડશે.
લોન આપવામાં જેમ કૌભાંડ થાય છે તેમ લોન વેચવામાં પણ કૌભાંડ થશે. તેને બદલે આડેધડ લોન આપનારા બેન્કના અધિકારીઓને સજા કરવી જોઈએ. જો ઉદ્યોગપતિઓ લોન ચૂકવવા તૈયાર ન હોય તો તેમની સંપત્તિ જપ્ત કરીને લોનની વસુલાત કરવી જોઈએ.