દેશભકતો, શહીદોની ઝુંબેશ ફળવા લાગી. વિશ્વના દેશોનો અભ્યાસ, ત્યાંની પ્રજા , શાસન અને શિક્ષણ ભારતીયોને પ્રભાવિત કરતાં રહ્યાં. વેદો, ઉપનિષદો, શ્રમણ દર્શન, નાસ્તિક પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં પ્રવચનો ન્યાય અને સમાનતા જેવાં પાશ્ચાત્ય મૂલ્યો, અંગ્રેજોએ વિકસાવેલું વહીવટીતંત્ર ભારતના સ્વાતંત્ર્યવીરોની દૃષ્ટિ સમક્ષ હતાં. ધર્મ, જાતિ, ભાષા, સાંસ્કૃતિક પરંપરા અને પોશાક વગેરેની ભિન્નતા સાથેની રાષ્ટ્રીય એકતા વિવિધ પુષ્પોના ઉદ્યાન સ્વરૂપે હિન્દુસ્તાન વિશ્વમાં અનોખી ઓળખ પામ્યું.
જયારે આઝાદીના લડવૈયાઓ સફળ ક્રાંતિ, અહિંસક સત્યાગ્રહ દ્વારા સર્જી શકયા ત્યારે આવશ્યકતા જન્મી ગણતંત્રીય શાસન માટેના સંવિધાનની, જેને માટે દોઢસો વર્ષના લાંબા મંથનને લેખિત સ્વરૂપ આપવા બંધારણ સભા રચાઈ, પછી તેની પેટા સમિતિ બની, જે ડ્રાફિટંગ કમિટી એટલે કે મુસદ્દા સમિતિ થઇ, તેના લેખિત મુસદ્દા બંધારણ સમિતિમાં રજૂ થયા. ચર્ચા થઇ, સુધારા સૂચવાયા, મંજૂરી બાદ ડૉ. ભીમરાવ આંબેડકરના પ્રમુખપદે અંતે ભારતીય સંવિધાન તૈયાર થઇ મંજૂરી પામ્યું, બંધારણ સભામાં નહેરૂ, ગાંધી, પટેલ, મુનશી, આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, કૃપલાની વગેરેના સહિયારા પરિશ્રમથી વિશ્વનું અજોડ સંવિધાન સર્જાયું. તેમાં બિનસાંપ્રદાયિકતા, લોકશાહી સમાજવાદનો સ્વીકાર થયો છે. સંવિધાનને પંચોતેર વર્ષ પૂરાં થયાં છે, તે સાથે જ પ્રજાસત્તાક રાષ્ટ્ર પણ પહેલી સદીથી વિશ્વમાં ગર્વીલું સ્થાન પ્રસ્થાપિત કરી શકયું છે.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
