વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકીને દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે. ‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી જીતી સત્તા મેળવનાર મોદી સરકાર – કેન્દ્ર સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી હોવાનો વિગતો સાથે વડોદરા ખાતે જનસંપર્ક અભિયાન પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ૭૩ વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો છે.
જ્યારે તે જ પ્રમાણે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૩.૪૬ (મે-૨૦૧૪)થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૧.૮૩ કરી દીધી છે. એટલે કે, પ્રતિ લિટર રૂ. ૨૮.૩૭નો અથવા તો ૮૨૦ ટકા નો વધારો કર્યો છે. અને એ પણ તેવી પરિસ્થિતિમાં કે જ્યારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૧૧૦ અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ ૫૦ અમેરિકી ડોલર થયા છે.