સુરત : સુરત શહેરમાં કેટલાંક ખાઈબદેલા પોલીસ કર્મીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યાં છે. કહેવા માટે તો દારૂબંધી છે પરંતુ સુરતના કેટલાંક વિસ્તારોમાં તો ખુલ્લેઆમ જાહેરમાં દારૂના અડ્ડા ધમધમે છે, જ્યાં જાહેરમાં દારૂ વેચાય અને પીવાય છે. સુરત પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરતી નહીં હોય સ્ટેટ વિજિલન્સે દરોડા પાડવા પડી રહ્યાં છે.
સુરત (Surat) શહેરના ખટોદરા (Khatodara) પોલીસની હદમાં સ્ટેટ વિજીલન્સ (State Vigilance) દ્વારા દરોડા પાડવામાં આવતા અઢી લાખની મતાનો દારૂ (Liquor) પકડાયો હોવાની વિગત જાણવા મળી છે. અહીં ડી-સ્ટાફમાં પણ મહેશ ચૌધરી સામે સંખ્યાબંધ ફરિયાદો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ આ કોન્સ્ટેબલને (Constable) છાવરી રહ્યાં છે.
સાત કરતા વધારે કવોલિટી કેસ થયા હોવા છતાં ડી-સ્ટાફનો હવાલો મહેશ ચૌધરી પાસે રહેતા ઉચ્ચ અધિકારીઓની પોલ સ્ટેટ વિજીલન્સે ખોલી નાંખી છે. તેમાં ન્યુ ભટાર ખાતે 809 બોટલ મળીને કુલ સવા લાખનો દારૂ સ્ટેટ વિજીલન્સે પકડી પાડયો છે. ઉપરાંત સવા લાખના 3 વ્હીકલ તથા અન્ય મળીને કુલ અઢી લાખના મત્તા કબ્જે કરવામાં આવી છે. ડીસ્ટાફના કરપ્શનની સંખ્યાબંધ ફરિયાદો હોવા છતાં અહીં કોઇ કાર્યવાહી થઇ રહી નથી.
ઉપરાંત પીઆઇ ધૂલિયાની અગાઉ મહિધરપુરામાંથી સ્ટેટ વિજલન્સના દરોડાને કારણે હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમ છતાં આ પીઆઇને ફરીથી મોકાની જગ્યા મળતા દારૂના અડા બેફામ બન્યા છે. સાતમો કવોલિટી કેસ હોવા છતાં અહીં પણ ઉધના પોલીસમાં પીઆઇ આચાર્યએ જે રીતે ગેરરિતી આચરી હતી. તેવી ગેરરિતી હાલમાં આચરાઇ રહી છે. સ્ટેટ વિજીલન્સ દ્વારા અઢી લાખનો દારૂ પકડતો કવોલિટી કેસ થતા ઉચ્ચ અધિકારીઓ હવે કયા બહાના હેઠળ આ વિવાદી કોન્સ્ટેબલ અને પીઆઇને બચાવે છે તે જોવાનુ રહે છે.