Charchapatra

દિકરા-દિકરીને અધિકાર વિશે આપેલો ચુકાદો વિચારી જુઓ

હાલમાં જ મુંબઈની વડી અદાલતે આપેલા આદેશમાં સમાજની માન્યતાને પણ પ્રાધાન્ય અપાયું અને એ માન્યતા સમાચાર પત્રો અને સોશીયલ મિડિયાની હેડલાઈન બની ગઈ. જે માન્યતાનો આધાર અદાલતે લીધો તે આવી છે.’’ છોકરી હંમેશ માટે માતાપિતા માટે છોકરી છે અને છોકરો તેના લગ્ન થાય ત્યાં સુધી જ માતાપિતાનો દીકરો છે.’’ કેસની વિગત એવી હતી કે પિતાશ્રીએ તેમનો ફલેટ બક્ષિસ કરાર દ્વારા દીકરીઓને આપ્યો હતો.

પરંતુ પુત્ર અને તેની પત્ની ઘરડા માતાપિતાને હેરાન પરેશાન કરી ઘરની બહાર કાઢવા માંગતા હતા, બીજી બાજુ દીકરીઓએ માતાપિતાને ફલેટમાં જ રહેવાની સૂચના આપી હતી આથી પિતાશ્રી કંટાળીને મેઈટેન્સ ઓફ સીનીયર સીટીઝન એક્ટનો આશરો લઈ તેની સ્પેશીયલ ટ્રિબ્યુનલમાં ગયા, ટ્રિબ્યુનલે પુત્રને એક મહિનામાં તે ફલેટ ખાલી કરવાનો હુકમ કર્યો આની સામે પુત્રએ મુંબઈની વડી અદાલતમાં આ હુકમને પડકાર્યો હતો.

પરંતુ અદાલતે ટ્રિબ્યુનલના હુકમને જ બહાલી આપી, એક મહિનામાં પુત્રને ફલેટ ખાલી કરવાનો હુકમ કર્યો હતો. આટલી પ્રક્રિયા માટે સમાજના નાગરિકે કોઈ ટિપ્પણી કરવાની જરૂર ન હોય પરંતુ અદાલતનું માન્યતાને અનુમોદન આપનારું નિવેદન સમાજ માટે જરૂર ચિંતાનો વિષય ગણાય. જો દીકરીઓ હંમેશ માટે મા-બાપ માટે દીકરીઓ જ હોય અને પુત્રો ફકત લગ્ન થાય ત્યાં સુધી જ પુત્ર ગણાવાનું સમાજમાં સ્વીકારાય જાય તો ઘણા પ્રશ્નો ઉપસ્થિત થશે.

વળી દીકરીઓને ઉપરોક્ત સ્ટેટસ મળે અને આપણે તે સ્વીકારીયે તો નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે બાપની મિલક્તમાં સરખો હિસ્સો માંગતી દીકરીઓની પણ ફરજ ઈ પડે કે નહીં, કે વરિષ્ઠ નાગરિક તેવા તેમના માબાપની કાળજી લેવાના કાર્યમાં પણ તેમને સામેલ કરવી જોઈએ કે નહીં? દીકરીને આપવામાં ઓલ મિલ્કત જો જમાઈ વાપરે તો ચાલે, પણ છોકરો વાપરે તે ન ચાલે, એ સિધ્ધાંત વ્યાજબી ગણાય?
સુરત     – રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top