નવી દિલ્હી: સરકાર લૈંગિક વિશેષતાના આધારે વ્યક્તિ સાથે ભેદભાવ કરી શકે નહીં જેના પર વ્યક્તિનું કોઈ નિયંત્રણ નથી, અને કેન્દ્ર પાસે તેના દાવાને સમર્થન આપવા માટે કોઈ ડેટા નથી કે સજાતિય લગ્નની વિભાવના ‘ભદ્રવાદી’ અથવા ‘શહેરી’ છે, એમ સર્વોચ્ચ અદાલતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું. સર્વોચ્ચ અદાલત સજાતિય લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજીઓની સુનાવણી કરી રહી હતી. ‘આ બહુ જ સીધુ છે, સરકાર કોઈ વ્યક્તિ સાથે એવી લાક્ષણિકતાના આધારે ભેદભાવ ન કરી શકે કે જેના પર વ્યક્તિનું કોઈ નિયંત્રણ નથી’, એમ ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે દિવસભર ચાલેલી સુનાવણીના બીજા દિવસે કહ્યું હતું.
સજાતિય લગ્નને કાયદેસર કરવા માગતા અરજીકર્તાઓ એ બુધવારે સર્વોચ્ચ અદાલત
સજાતિય લગ્નની વિભાવના ‘શહેરી ભદ્રવાદી’: સરકાર કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા તેના એક સોગંદનામામાં, અરજીઓને સામાજિક સ્વીકૃતિના હેતુ માટે ‘અરબન એલિટીસ્ટ’ દૃષ્ટિકોણનું પ્રતિબિંબ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે લગ્નની માન્યતા અનિવાર્યપણે એક કાયદાકીય કાર્ય છે જેના પર નિર્ણય લેવાથી અદાલતોએ દૂર રહેવું જોઈએ.
આ એક જન્મજાત લાક્ષણિકતા: અરજદારોની દલીલ
અરજદારોના એક વરિષ્ઠ વકીલ એ એમ સિંઘીની રજૂઆત સાથે સંમત થતાં બેન્ચે કહ્યું, ‘જ્યારે તમે કહો છો કે આ એક જન્મજાત લાક્ષણિકતા છે, તો તે કેન્દ્રની દલીલના જવાબમાં પણ એક દલીલ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ આ વિચારને કુલીન અથવા શહેરી લોકોનો ગણાવ્યો હતો.
આ અરબન-એલિટીસ્ટ હોવાના સરકાર પાસે આંકડા નથી
અદાલતે કહ્યું હતું જ્યારે કોઈ વસ્તુ જન્મજાત હોય છે ત્યારે તે વર્ગ પૂર્વગ્રહ ધરાવી શકતો નથી. શહેરી એટલે કહી શકાય કારણ કે આ પ્રકારના વધુ લોકો શહેરમાંથી સામે આવી રહ્યા છે. પણ સરકાર પાસે એવા કોઈ આંકડા નથી કે આ શહેરી છે.
અન્ય એક વરિષ્ઠ વકીલ કે વી વિશ્વનાથને કહ્યું હતું કે અરજદારોને ‘શહેરી ભદ્ર’ તરીકે બ્રાંડ કરવા એ ‘દયાનો સંપૂર્ણ અભાવ’ દર્શાવે છે.
કેન્દ્રએ રાજ્યોને પણ પક્ષકાર બનાવવાની વિનંતી કરી
દિવસની શરૂઆતમાં કેન્દ્ર તરફથી દલીલ કરી રહેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ અદાલતને વિનંતી કરી હતી કે આ કાર્યવાહીમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પક્ષકાર બનાવવામાં કારણ કે તેમના દ્રષ્ટિકોણ વગર આ મુદ્દે કોઈ પણ નિર્ણય અધૂરો ગણાશે. સરકારે જણાવ્યું હતું કે તેણે તમામ રાજ્યો પાસે આ મુદ્દા પર પોતાની ટિપ્પણીઓ અને દ્રષ્ટિકોણ મગાવ્યા છે. જો કે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સરકારની આ માગનો વિરોધ કર્યો હતો.
એલજીબીટીક્યુઆઈએનું કોઈ પ્રતિનિધિત્વ સંસદમાં નથી
વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું સરકારે આગળ આવવું જોઈએ અને સજાતિ. લગ્નને માન્યતા આપવી જોઈએ. એલજીબીટીક્યુઆઈએનું સંસદમાં કોઈ પ્રતિનિધિત્વ નથી આ જ કારણથી તેમણે અદાલતમાં આવવું પડયું.
આ મામલે આગામી સુનાવણી ગુરુવારે ચાલુ રહેશે.