શ્રી પ્રવીણ પરમારનું ગુજરાતી ભાષાની જોડણી વિષયક ચર્ચાપત્ર વાંચી લખવા પ્રેરાયો છું. આપનું નિરીક્ષણ સુસ્પષ્ટ છે કે પરપ્રાંતિયોનાં આગમને ગુજરાતી ભાષાની જોડણી અને ઉચ્ચાર બાબતે ઉબડ સંક્રાંત વળી ગઈ છે. ચર્ચાપત્રીશ્રીએ જે “જ્ઞ”ના ઉચ્ચારની વાત કરી તે વાસ્તવમાં ગ્ન્ય બોલાય છે, ગ્ન નહીં જ. પ્રગ્ન્યેશ, જિગ્ન્યાશા. વળી, હિન્દી ભાષીઓ ગ્ય બોલે છે. તજ્જ્ઞમાં પણ જ ખોડો કે લઘુ છે. હું ને બદલે મેં લગભગ રૂઢ થઈ ગયો છે. શિક્ષિત ગુજરાતીઓ પણ એમાંથી બાકાત નથી. અરે, ગુજરાતી ભાષાનાં શિક્ષકો કે અધ્યાપકો પણ પોતે બધાંથી અલગ છે એવું બતાવવા(?) હું ને બદલે મેં વાપરે છે.
ભૂતકાળનાં સકર્મક ક્રિયાપદ સાથે મેં આવે. જેમ કે, મેં તમને જોયેલાં, મેં પત્ર લખેલો. “દ્વ” બાબતે ખાસ બને છે. દ્વારા ને બદલે દ્રારા. એ.. ય તમારે લોલમલોલ ચાલે છે. ખુદ શિક્ષકો જ જ્યારે ખોટા ઉચ્ચાર કરતાં હોય કે ખોટી જોડણી લખતાં હોય ત્યારે એ આમ જનતામાં પડઘાવાનું જ છે. ગત અઠવાડિયે અંગ્રેજી બાબતે પણ એક ચર્ચાપત્ર હતું. અંગ્રેજી બાબતે તો અત્યંત નિરાશા ઉપજે એવી પરિસ્થિતિ છે. આવાં ઉદાહરણો રોજિંદાં જીવનમાં જોવા, સાંભળવા મળે. પંડ્યાનું પાંડયા તો અસહ્ય જ છે પરંતુ શુક્લમાં “લ”નો ઉચ્ચાર આખો કરવાનો હોય અંગ્રેજીમાં Shukla લખાય છે. તેનું થઈ ગયું નહીં, કરી નાંખ્યું શુક્લા. અંગ્રેજીમાં ધન્યમાં અંતે a નહીં લગાડવામાં આવે તો ધની થઈ જાય. તો લોકોએ એનો ઉચ્ચાર ધન્યા કરી નાંખ્યો. આ બધુ ક્યાં જઇ અટકશે એ જોવું જ રહ્યું. કોઈને પડી નથી. અને ગણ્યાં ગાંઠયાં સુજ્ઞ જનો કેટલું દોડી શકે. આપણે કોઈને ટોકીએ તો કહેશે, “ચાલે હવે”. અથવા “તમને સમજ પડી ને?”
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.