Comments

વધતા શહેરીકરણ અને પાણીની વધતી જરૂરિયાતને પહોંચી વળવા નદીઓને જોડીએ

4 જુલાઇ 2015 એ ગુજરાતમાં વરસાદ નહોતો તો પણ વિના વરસાદે નર્મદાબંધ બીજી વાર છલકાયો. મધ્યપ્રદેશમાં સારા વરસાદના લીધે 2,07,195 ક્યુસેક પાણીની આવક થઇ. પરંતુ નર્મદાબંધ બંધાયો તે પહેલાં ચોમાસાની સિઝનમાં બે-એક વખત રાજપીપળા-ભરૂચ અને વડોદરા જિલ્લાનાં ગામડાંઓ પૂરપ્રકોપ તો વેઠતાં જ પણ પ્રતિ સેકંડ 70 લાખ લીટર મીઠું પાણી દરિયામાં વહી જતું. વર્ષ 2000 સુધી ગુજરાત રાજયમાં એવી સ્થિતિ હતી કે શ્રાવણ અને ભાદ્રપદ ઊતરી જાય અને બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર જેવા માટીના છીછરા દળ ધરાવતાં જિલ્લાઓમાં 42 % ઓછો વરસાદ થાય એટલે માલધારીઓ ઊંટ, બકરાં, ઘેંટાં, ગાય-ભેંસ સાથે સહ પરિવાર દક્ષિણ ગુજરાતનાં નહેર કાંઠાના વિસ્તારોમાં પ્રયાણ આદરે!

એટલું જ નહીં પણ રાજય સરકારે પ્રતિવર્ષ રૂ.153 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરી ભાલ-નળ કાંઠાના વિસ્તારોમાં ટેંકરથી, તો મધ્ય સૌરાષ્ટ્રનાં અમરેલી, રાજકોટ અને ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં ભૂતળમાંથી પાણી ઉલેચવા ખેડૂતોને વધારાની વીજળી અને રાહત દરે પાઇપલાઇનની સુવિધા આપવી પડતી. આમ થતાં દુષ્કાળજન્ય સ્થિતિમાં રાહત રહેતી પણ 800 થી 1200 ફૂટ ઊંડાઇવાળું પાણી પીનાર 1.5 કરોડથી વધુ ગુજરાતીઓ ફલોરોસીસની રોગજન્ય સ્થિતિમાં કાયમી રીતે મુકાઈ જતાં.

દેશભરમાં બદલાતી ભૌગોલિક સંરચનાના લીધે હવે સ્થાનિક વરસાદી સ્થિતિનો લાભ નહીંવત્ રહ્યાનું જોવા મળે છે. વૈશ્વિક પર્યાવરણ, હવાનું દબાણ, ભેજ સ્થળાંતરને આધારે જે વરસાદી લાભ મળવાનો હોય તે મળે છે. ચોમાસા દરમિયાન માત્ર 95 થી 98 કલાકનો વરસાદ મળે છે. પરંતુ પાણીનો ઉપયોગ તો બાકીના 8760 ક્લાક કરવાનો હોય જ છે! એ સમયે ગુજરાતનાં 5505 ગામોમાં પીવાના પાણીની તંગી વારંવાર સર્જાતી.

આથી રાજકીય લાભાલાભને બાજુ પર રાખી નર્મદા બંધ બાંધવા સમગ્ર રાજયે પ્રજામત કેળવ્યો તે આજે નર્મદા યોજના સાથે જોડાએલ હાઇડ્રો પાવર સ્ટેશનમાં ડેમના તળિયાનાં પાણીને બાયપાસ કૅનાલથી બહાર કાઢવા પ્રાવધાન રાખ્યું છે. આ માટે સી.એચ.પી.એચ. ના બાજુના ડુંગરમાંથી 90 મીટરના સીલ લેવલે ટનલ તૈયાર કરવામાં આવી છે. જેથી બંધની ઊંચાઇ વધાર્યા સિવાય બાયપાસ ટનલ દ્વારા 15,000 કયુસેક પાણીનો જથ્થો ગુજરાતની હદમાં આવેલ ડાયટ 1 અને 3 માં નાખી શકાય અને નાલ દ્વારા પ્રથમ 50,000 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઇ આપી શકાય તેવી સુવિધા થઇ છે.

પૃથ્વી ઉપર ગરમીના વધતા દબાણની સ્થિતિના કારણે જાપાન સહિત વિશ્વના 90 દેશોમાં પાણી એક પ્રશ્ન બની ચૂકયું છે. અમેરિકી અને જર્મન પ્રજા એક દિવસમાં સરેરાશ 700 લીટર પાણી વાપરે છે ત્યાં એક ગુજરાતીના ભાગે 38 થી 47 લીટર પાણી આવે છે. બીજી તરફ યુરોપ અને ચીન સહિત ત્રીજી શક્તિ ધરાવતા દેશોએ પોતાની જરૂરિયાત માટેના પાણીની વ્યવસ્થા પૂર્ણ કરી છે ત્યારે દેશવાસીઓ ગંગા, યમુના, ગોદાવરી, બ્રહ્મપુત્રા જેવા મહાકાય જળસ્રોત વચ્ચે અ-વિકસિત સ્થિતિમાં પડી રહ્યો છે.

પાણી એ સર્જનહારનું શ્રેષ્ઠ સર્જન છે અને સજીવોના અસ્તિત્વનો આધાર છે. પાણી ઉપર કોઇ એક માલિકી અધિકાર સ્થાપિત કરવો તે સામાજિક અવિવેક જણાય છે. ત્યારે પાણીનો સંગ્રહ, વિતરણ અને વિવેકપૂર્ણ ઉપયોગને વિજ્ઞાન અને તકનિકના હવાલે કરીએ અને તમામ પ્રકારની સ્વાર્થ નીતિથી પર રહ્યું તે સમયની માંગ અને ધર્મ બને છે.

આવા જ કંઇ વ્યાપક દૃષ્ટિકોણથી વર્ષ 1980માં ભારતનાં જળ-સંસાધન મંત્રાલયે ભારતની હિમાલય ભાગની 14 નદીઓ તથા નર્મદા, દમણગંગા, કૃષ્ણા પ્રકારે ભૂ-સ્તરના વરસાદી પ્રભાવથી બનતી અને વહેતી 17 નદીઓ જોડવા અંગે પ્રાથમિક દસ્તાવેજ તૈયાર કર્યા. તે પછી 23 વર્ષ બાદ યોજનાકીય ખર્ચ અને આવરી લેનાર વિસ્તારની વિગતો સંકલિત થતાં વર્ષ 2003માં સંબંધિત 18 રાજયો સાથે મુસદા્ની ચર્ચા કરવામાં આવી. પંડિત જવાહરલાલ નહેરુના મુખ્યમંત્રીપણા હેઠળ 1956માં તત્કાલિન સિંચાઇ મંત્રી શ્રી કે.એલ.રાવ.નું સ્વપ્ન સ્વતંત્ર ભારતના સંધિય રાજયોના નિજી સ્વાર્થના લીધે 47 વર્ષ સુધી ફાઇલોમાં અટવાતું રહ્યું.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.ક્લામ અને નીતિ આયોગની ઇચ્છા હોવા છતાં ત્રાવણકોરના ડુબ ક્ષેત્રનો મુદ્દો લઇ કેરલ રાજયે રીવર ગ્રીડ અંગે નારાજગી દર્શાવી છે. ગંગાના છેવાડાના મેદાની વિસ્તારનાં ધોવાણ પ્રશ્નને આગળ કરી બ્રહ્મપુત્રા-ગંગાના જોડાણનો વિરોધ પશ્ચિમ બંગાળે કર્યો છે તો મહારાષ્ટ્રે કૃષ્ણા નદી સાથે પશ્ચિમી ઘાટની નદીઓને અ-વૈજ્ઞાનિક કહી NWDT નો ઉધડો લઇ નાખ્યો છે. તેમ બિહારથી

લાલુપ્રસાદે ઘોષણા કરી છે કે નદી જોડશો તો તેમાં પાણી નહીં અમારું લોહી વહેશે! સંકુચિત રાજકીય લાભાલાભની દૃષ્ટિ વચ્ચે નર્મદા બંધના સુખદ અનુભવને દહોરાવતાં દમણગંગા, તાપી, વિશ્વામિત્રી, ઓરસંગ, ઢાઢર, નર્મદા સહિતની દક્ષિણ ગુજરાતની બારે માસ વહેતી મુખ્ય 11 નદીઓને જોડવા ગુજરાત રાજયે ડહાપણ દર્શાવવું જોઇએ. ગુજરાતની ભૌગોલિક સંરચનાનો લાભ લેતાં દક્ષિણ ગુજરાતની નદીઓને જોડી ખંભાતના અખાતમાં નંખાતા ગુજરાતના મધ્ય ભાગે મીઠા પાણીનું વિશાળ કદ સરોવર તૈયાર થઇ શકે તેમ છે.

75 વર્ષની વયે પહોંચેલ ભારતની લોકશાહી વધતી વસ્તી, નિરક્ષરતા અને ગરીબીના દબાણવશે આજે પણ છતા સંસાધને કૂપ-મંડૂકપણામાં સામાજિક પ્રશ્નો વેઠે છે ત્યારે કબૂલ કરવું પડશે કે જળ છે તો જીવન છે. આ વિચારથી આગળ WATER IS WELTH તરીકે સ્વીકારવો પડશે. વ્યાપારી અને બુધ્ધિધન ધરાવતાં ગુજરાતીઓએ નદી જોડવાની પ્રક્રિયામાં અગ્રેસર રહેવા જેવું છે. રાજય સરકારે પ્રજા પાસે વિશાળ હેતુની વાત મૂકવા જેવી છે. તેમ ભારત સરકારે પણ દેશની લોક્શાહી તાસીરને જોતાં નદી જોડની યોજના પ્રદેશલક્ષી બનાવી. ગુજરાતને પ્રોત્સાહિત કરી રાજયની ખેતીને 100 % સિંચાઇ સુવિધા આપવા પહેલ કરવી રહી.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top