Gujarat

ભાજપના પાપનો ઘડો લઈ મોરબીમાં વરસતા વરસાદમાં કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી, આટલા શહેરોમાં ફરશે

મોરબીઃ ગુજરાત કોંગ્રેસે આજે તા. 9 ઓગસ્ટની સવારે વરસતા વરસાદમાં મોરબીથી ન્યાયાત્રાનો પ્રારંભ કર્યો છે. આજે પ્રથમ દિવસે 27 કિમીની આ યાત્રા ફરશે. ગુજરાત કોંગ્રેસના લાલજી દેસાઈ, અમીબેન યાજ્ઞિક, જીગ્નેશ મેવાની, પાલ આંબલીયા, અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરો ન્યાય યાત્રામાં સામેલ થયા છે. મોરબીથી ટંકારા સુધી પ્રથમ દિવસે ન્યાય યાત્રા યોજાશે.

આ ન્યાય યાત્રા રાજ્યના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈ 300 કિ.મી.નું અંતર કાપશે. છેલ્લાં વર્ષોમાં ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનાઓમાં સામાન્ય પ્રજા હોમાઈ છે. એક પણ ઘટનામાં લોકોને ન્યાય મળ્યો નથી. તે લોકોને ન્યાય અપાવવા આ ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે. ન્યાય યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસ વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રિજ કાંડ, રાજકોટ ગેમ ઝોન કાંડ, કાંકરિયા રાઈડ કાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાડ જેવા બનાવના પીડિતોને મળશે.

આ ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.

આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે. લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.

આજથી શરૂ થયેલી કૉંગ્રેસની ન્યાયયાત્રા સૌથી વધુ રોકાણ સુરેન્દ્રનગર જિલ્લા કરશે. 13 ઓગસ્ટથી લઇ 19 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા ફરશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સ્વતંત્ર પર્વની ઉજવણી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કરશે. સુરેન્દ્રનગરના ચોટીલા ડોળીયા મુળી વઢવાણ લખતર છારદ ગામોમાં ન્યાય યાત્રા ફરશે.

શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવ્યું
શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવતા કહ્યું 15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોરબીમાં ક્રાંતિ સભા સંબોધતા કહ્યું કે, ભાજપનો ભ્રષ્ટ્રાચારના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે ગુજરાતીઓ જાગો અને ભાજપને છોડો. મેવાણીએ કહ્યું કે, ગુજરાતનું તંત્ર ખાડે ગયું છે. અધિકારીઓ દારૂ, જુગાર અને જમીનની ફાઈલોમાં રોકડી કરવામાં વ્યસ્ત છે. દુર્ઘટનાઓની તપાસના નામે કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો છે. દોષિતોને સાબરમતી જેલમાં નાંખવા મેવાણીએ માંગ કરી હતી.

તક્ષશિલા અગ્નિકાંડના પીડિતો આ ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય
એક તરફ ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ સરકારમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના ન્યાય માટે ન્યાય યાત્રા આયોજિત થવાની છે. જોકે સુરતની તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોએ આ ન્યાય યાત્રામાં સામેલ થવાના નથી. તેમજ કોંગ્રેસ મદદ કરવી હોય તો ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરે. લડવા માટે પૈસા નથી. તેમ કહીને ઝડપી ન્યાય અપાવવા મદદ કરવાની માંગ કરી છે.

Most Popular

To Top