National

કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો

કોંગ્રેસે શુક્રવારે (29 નવેમ્બર 2024) ચૂંટણી પંચને પત્ર લખીને તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન અને મતગણતરી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે વ્યક્તિગત સુનાવણીની પણ માંગ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મતદારોને મનસ્વી રીતે મતદાર યાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં 10,000 થી વધુ મતદારો ઉમેરવામાં આવ્યા હતા. પાર્ટીએ એમ પણ કહ્યું કે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા મહારાષ્ટ્રના મતદારોના ડેટા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે તેના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મનસ્વી રીતે કાઢી નાખવા અને ઉમેરવાની આ પ્રક્રિયાને કારણે મહારાષ્ટ્રમાં જુલાઈ 2024 થી નવેમ્બર 2024 વચ્ચે લગભગ 47 લાખ નવા મતદારોને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. પાર્ટીએ દાવો કર્યો હતો કે 50 વિધાનસભા મતવિસ્તારોમાંથી જ્યાં સરેરાશ 50,000 નવા મતદારો ઉમેરવામાં આવ્યા હતા, શાસક ગઠબંધન અને તેના સહયોગીઓએ 47 બેઠકો જીતી હતી.

મતદાનની ટકાવારીમાં અચાનક વધારા પર પ્રશ્ન
કોંગ્રેસે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ડેટા પર પણ સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે 21 નવેમ્બર 2024 ના રોજ સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી 58.22% હતી જે 11:30 વાગ્યા સુધીમાં વધીને 65.02% થઈ ગઈ. વધુમાં અંતિમ અહેવાલમાં 66.05% મતદાન નોંધાયું હતું જેની જાહેરાત મત ગણતરી શરૂ થયાના કેટલાક કલાકો પહેલા કરવામાં આવી હતી. પત્ર અનુસાર માત્ર એક કલાકમાં એટલે કે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે અંદાજે 76 લાખ મત પડ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને બેલેટ પેપરના ઉપયોગની માંગ કરી. તેમણે કહ્યું કે અમને EVM નથી જોઈતા, અમને બેલેટ પેપર જોઈએ છે. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને 288માંથી 230 બેઠકો મળી હતી. ભાજપને 132, શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી છે. જ્યારે મહા વિકાસ આઘાડી (MVA) ને કુલ 46 બેઠકો મળી હતી જેમાંથી કોંગ્રેસનો હિસ્સો માત્ર 16 બેઠકો હતો.

Most Popular

To Top