પોતાનું નામ અમિષા કે અમિષી હોય અને, ઘરનાં કે ઘર-બહારનાં નામ બગાડીને તોછડું નામ ‘અમી’ કરી મૂકે તેવું આ ડો. અમીબહેન યાજ્ઞિકનાં કેસમાં રાખે માનતાં …! અમારી ન્યાતમાં એક મહિલાનું નામ આમ્રલતા હતું અને એમના નામ પરથી પતિએ પોતાના ઘરનું નામ “આમ્રકુંજ” રાખ્યું હતું. પણ, ન્યાતના લોકોને આમ્રલતા નામ બોલવાનું અઘરું પડે એટલે,એમનું નામ ‘અમૂ’ કરી દીધેલું. ડો.અમીબહેન યાજ્ઞિકનું નામ અમી જ હતું અને છે. અમી એટલે અમૃત ! અમૃતલાલ યાજ્ઞિક નામે એક પ્રખર ગુજરાતી લેખક-કેળવણીકાર થઇ ગયા છે.
અમીબહેન યાજ્ઞિક ડોક્ટર ખરાં પણ, તે તબીબ નહિ ! આ ડોક્ટર દવા આપવાવાળાં કે ઓપરેશન કરવાવાળાં કે આરોગ્યની સલાહ આપવાવાળાં ડોક્ટર નહિ ! ડો. અમીબહેન યાજ્ઞિક કાયદાનાં ધુરંધર ! એમની પાસે કાયદાની સર્વોચ્ચ ડીગ્રીઓ છે અને, કાયદા જેવા નીરસ-જટિલ વિષયમાં એમનું પીએચ.ડી. છે ! તેઓ કાયદા-કાનૂનનાં સ્કોલર છે પણ, એમના વિષે આજે પણ તમે ગુજરાત હાઈકોર્ટમાં વકીલોને પૂછો તો એવા ઘણા વકીલો નીકળી આવશે જેમને ડો.અમીબહેન યાજ્ઞિક નામ ખબર નહિ હોય ! આ બાબત તમે અમીબહેનને પૂછવા જાઓ તો, તેઓ સાવ સહજભાવે એમ જ કહેશે કે…જરૂરી નથી કે દરેક જણ એકબીજાને ઓળખતું હોય, એકબીજાને ઓળખ્યા વગર પણ સાથે રહીને કામો કરી શકાય છે.
બ્રાહ્મણ કુળમાં જન્મેલાં અમીબહેનના પતિનું નામ અજય પટેલ. હા, તેઓ પટેલ જ્ઞાતિમાં પરણ્યાં છે અને, તેમને એક બાબો પણ છે. તમે અમીબહેનના ઘેરે જાઓ તો, કોઈ વાર એમનો બાબો ઘરમાં નહિ હોય એવું બની શકે-કોઈ વાર એમના પતિ ઘરમાં નહિ હોય એવું બની શકે-કોઈ વાર અમીબહેન ઘરમાં નહિ હોય એવું બની શકે-કોઈ વાર એ ત્રણ પૈકી એકથી વધુ જણ ઘરમાં નહિ મળે તેવું બનવાજોગ છે પણ, એમણે એક બિલાડી પાળેલી છે (ઘણાં અમદાવાદીઓ એ બિલાડીને બિલાડો પણ કહે છે !) તે તમને અચૂક જોવા મળે !
સ્વર-કિન્નરી સ્વ.દિવાળીબહેન ભીલના આગળની તરફના બે દાંત વચ્ચે કેવો સુંદર ‘ગેપ’ જોવા મળે છે ! આવો જ બલ્કી એથીય વધુ ગેપ તમને ડો.અમીબહેનના આગળના બે દાંત વચ્ચે (તેઓ હસી રહ્યાં હોય કે ગુસ્સામાં મોટેથી બોલી રહ્યાં હોય ત્યારે) જોવા મળશે. આગળના બે દાંત વચ્ચે ‘ગેપ’ ધરાવતી વ્યક્તિઓ ખૂબ નસીબદાર હોય છે અને જીવનમાં સાવ સામાન્ય કક્ષાએથી ઘણે ઊંચે તેઓ આપબળે આવી શકે છે.
આવાં નસીબદાર ગણી શકાય તેવાં ડો.અમીબહેન યાજ્ઞિક આ વખતે એટલા માટે બધાંયની નિગાહોમાં છે કે તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતના નવા નક્કોર સીએમ ભૂપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડવાનાં છે ! અને, આ ઘાટલોડિયા બેઠક શરુ થઇ ત્યારથી ભાજપના જ કબ્જામાં છે ! જે બેઠક પરથી ચૂંટણી જીતીને આનંદીબહેન પટેલ ગુજરાતનાં સીએમ બન્યાં હતાં, જે બઠક પરથી ચૂંટણી જીતીને આપણા અત્યારના સીએમ ભૂપેન્દ્ર પટેલ સીએમ બનવાને ભાગ્યશાળી થયા તે જ બેઠક પરથી હવે, ડો.અમીબહેન યાજ્ઞિક (પટેલને પરણ્યાં હોવાથી તમે અમીબહેન પટેલ પણ કહી શકો !) સીએમની ખુરશી સુધી પહોંચે છે કે નહિ તે તમામ રાજકીય પક્ષોએ હવે, જોવાનું છે.
જ્યારથી, કેજરીવાલ બીજેપીને જાહેરમાં એમ બોલવા લાગ્યા છે કે….”આપકા સીએમ યહ ચુનાવ હાર રહા હૈ !” ત્યારથી, ડો.અમીબહેનની ચૂંટણી જીતવાની આશા વધુ ને વધુ પ્રબળ થવા લાગી છે. કેમ કે, જો સીએમ ભૂપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડવામાં તેમને જરાય ડર નથી તો, આમ આદમી પાર્ટીના વિજય પટેલ સામે તો ચૂંટણી લડવામાં તેઓ ક્યાંથી ડરવાનાં !! સીએમ ભૂપેન્દ્ર પટેલ કરતાં બરાબર ૩ વર્ષે મોટાં છે, ડો. અમીબહેન યાજ્ઞિક ! તો પણ, ભૂપેન્દ્ર પટેલ કરતાં અમી યાજ્ઞિક ખાસ્સાં જુવાન લાગે. બંનેનો જન્મ જુલાઈ મહિનામાં થયેલો ! બંનેનાં નામ વડીલો દ્વારા પરંપરાગત રીતે રાશિ પરથી જ પાડવામાં આવેલાં છે.
ડો.અમીબહેન હાલ, કોંગ્રેસ તરફથી રાજ્યસભાનાં સભ્ય છે.સ્ત્રીહિત-સ્ત્રીરક્ષણ-સ્ત્રીહિત વિચાર-સ્ત્રી ઉત્કર્ષ જેવા વિષયોને ડો.અમીબહેને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. ઘાટલોડીયાના લોકોને અહિ એક વાત જણાવી દઉં કે, તમારા પૈકી કોઈ પણ મહિલાને કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાનું આવે તો તે દરેક મહિલાના કેસ ડો.અમીબહેન મફત લડશે…તેઓ મહિલાઓના કેસ ફી લીધા વગર લડવા માટે જાણીતાં છે ! અરે, દેશમાંથી કોઈ પણ મહિલા કેસ લડવા માટે ડો.અમીબહેન પાસે જાય અને અમીબહેન ફી માંગે તો કહેવાનું કે…અમે ઘાટલોડિયાનાં જ છીએ !
ડો.અમીબહેન શું ચીજ છે તે વિષે તમારે વધુ જાણવું હોય તો એમના નામે ચાલતા અનેક રેડિયો-ટીવી કાર્યક્રમો તમારે સાંભળવા-નિહાળવા જોઈએ…એમના નામે ચાલતી કોલમો ગુજરાતી અખબારોમાં વાંચતાં રહેવું જોઈએ ! અને, એટલાથી પણ એમની ઓળખ અધૂરી રહી ગયેલી લાગે તો, અમદાવાદમાં આંબાવાડી જઈ સહજાનંદ કોલેજની પાછળ આવેલ એડીસી બેંક સોસાયટીના એમના નિવાસસ્થાને એમની મુલાકાત કરી આવવી જોઈએ !