National

દિલ્હી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ દલિતોને ચાર ધામ યાત્રા ફ્રી, ટ્રાન્સજેન્ડરને સ્કોલરશિપ

આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) બાદ હવે કોંગ્રેસે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એલજીબીટીક્યૂ સમુદાયથી લઈને દલિતો અને યમુના નદી માટે ઘણા વચનો આપવામાં આવ્યા છે.

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યમુના નદીને સાફ કરવાનો એક્શન પ્લાન પણ આપ્યો છે. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે દિલ્હીની ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો દિલ્હીમાં 100 ઈન્દિરા કેન્ટીન શરૂ કરશે. ઈન્દિરા કેન્ટીનમાંથી 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે.

LGBTQ સમુદાય માટે વિશેષ જગ્યા આપવાનું વચન આપવાની સાથે કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે ટ્રાન્સજેન્ડરો માટે શિષ્યવૃત્તિથી લઈને હોસ્ટેલ સુધીની સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે અને સંવેદનશીલતા તાલીમ પણ હાથ ધરવામાં આવશે.

પાર્ટીએ દલિત વર્ગ માટે મફત ચાર ધામ યાત્રાનું આયોજન કરવાનું વચન આપ્યું છે. આ ચાર ધામ યાત્રા અંતર્ગત ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજના હેઠળ કોંગ્રેસે સરકાર બનાવ્યા બાદ સારનાથ, બોધ ગયા, સંત રવિદાસનું જન્મસ્થળ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મસ્થળનો સમાવેશ કર્યો છે.

કોંગ્રેસે સરકાર રચ્યાના છ મહિનામાં વધુ મજબૂત લોકપાલ બિલ પસાર કરવાનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે તે એલજીને આ અંગે કોઈ બહાનું બનાવવા દેશે નહીં. કોંગ્રેસે શીલા દીક્ષિતની આગેવાની હેઠળની સરકારની આઇ કેર ફંડ, દર્દી કલ્યાણ સમિતિઓ, શાળા કલ્યાણ સમિતિઓ અને ભાગીદારી યોજનાને પુનર્જીવિત કરવાનું વચન પણ આપ્યું છે.

ઘોષણાપત્રમાં અનુસૂચિત જાતિના લોકોને સશક્ત બનાવવા માટે 15 ટકા સરકારી કોન્ટ્રાક્ટ આપવા, શિષ્યવૃત્તિની રકમ વધારવા અને તુગલકાબાદમાં સંત રવિદાસનું મંદિર બનાવવાનું પણ વચન આપ્યું છે.

Most Popular

To Top