ગાંધીનગર: રાજ્યની (Stat) વસ્તી ૩ કરોડની હતી ત્યારે જે મહેકમ હતું, તે જ મહેકમ આજે સાડા છ કરોડની વસ્તીએ છે. આજે મહેકમ પૈકીની ૪૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં કરાર આધારિત, ફીક્સ પગાર અને આઉટસોર્સીંગથી કર્મચારીઓની ભરતી કરીને તેમનું શોષણ કરવામાં આવે છે, તેવું વિધાનસભામાં કોંગ્રેસના સભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતુ કે રાજ્યના કામદારો તથા મજૂરોને લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. રાજ્યમાં સરેરાશ લઘુત્તમ વેતનની આવક રૂપિયા દસ હજારની આસપાસ થાય છે. અસહ્ય મોંઘવારી હોય અને એક મજૂર વ્યક્તિની આવક ઉપર આખા કુટુંબનું ભરણપોષણ થતું હોય ત્યારે આ આવક ખૂબ જ ઓછી છે. હાલમાં લઘુત્તમ વેતનનો દર રૂા. ૩૬૫ છે, જે છેલ્લે વર્ષ ૨૦૧૪માં નક્કી કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ વર્ષથી સતત મોંઘવારી વધી રહી છે પરંતુ લઘુત્તમ વેતનના દર વધારવામાં આવતા નથી, જે દુઃખદ બાબત છે. સરકાર તાત્કાલિક અસરથી લઘુત્તમ વેતનના દર વધારવામાં આવે.