SURAT

સુરતના રસ્તામાં ખાડા, ખાડામાં ભાજપના ઝંડાઃ કોંગ્રેસનો અનોખો વિરોધ

સુરતઃ ધોધમાર વરસાદ બાદ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને સુરત મનપાના અધિકારીઓ અને શાસકોને જાણે અંધાપો આવી ગયો છે. તેઓને ખાડા દેખાતા જ નથી. ત્યાર આજે સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ રસ્તામાં પડેલા ખાડાઓમાં ભાજપનો ઝંડો લગાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

શહેરમાં છેલ્લાં પંદરેક દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. વરસાદે તો હવે વિરામ લીધો છે, પરંતુ સુરતીઓની ખરી મુશ્કેલી હવે શરૂ થઈ છે. રસ્તામાં ખાડા પડી ગયા છે અને તંત્રના પાપે હજુ તે પુરાયા નથી. ચોમાસામાં પણ રસ્તા રિપેર કરી શકાય તેવી ટેક્નોલોજી મનપા શોધી શકી નથી અને હવે સુરતીઓ પોતાની કમર તોડાવવા માટે મજબૂર બની ગયા છે.

કોંગી કાર્યકર્તા નિલેશ ડોંડાએ કહ્યું કે, પર્વત પાટિયા વિસ્તારમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી અમે આજે ભાજપના ઝંડાને જ તેના કહેવાતા વિકાસના ખાડઓમા લગાવીને વિરોધ કર્યો હતો. જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયતી પગલાં લીધા છે.

કોંગ્રેસના મહામંત્રી ફૈઝલ રંગૂનીએ કહ્યું કે, ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રોડ પર પેચ મારવાનું કામ કરીને લોકોને ભાજપ મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લોકોના વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં આ ખાડાઓ પુરવામાં આવી રહ્યા નથી. જેથી આ પ્રકારનો વિરોધ કર્યો છે. સાથે જ આવનારા સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભાજપની ઓફિસનો પણ ઘેરાવ કરવાની તૈયારી છે.

Most Popular

To Top