અમરેલી લેટરકાંડ મામલે આજે તા. 13 જાન્યુઆરીના રોજ સુરત શહેરમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું હતું. વરાછાના મિની બજારના માનગઢ ચોક પર ધાનાણી સહિતના કોંગી આગેવાનો ધરણાં શરૂ કરે તે પહેલાં જ સુરત પોલીસે તમામને અટકાયતમાં લઈ લીધા હતા, જેના લીધે ભારે હંગામો મચી ગયો હતો. ધરણાં સ્થળ પર પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મંજૂરી વિના ધરણાં કરવા પહોંચેલા પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિત 50 જેટલાં કોંગીઓને ટીંગાટોળી કરી પોલીસે અટકાયતમાં લીધા હતા.
રવિવારે રાતથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
અમરેલીમાં ભોગ બનેલી યુવતીને ન્યાય મળે તે માટે કોંગ્રેસે ગઈકાલે ધરણાંની જાહેરાત કરી હતી. જોકે, કોંગ્રેસને ધરણાં પ્રદર્શનની મંજૂરી પોલીસ તરફથી મળી નહોતી. તેથી પરેશ ધાનાણીએ વગર પરમીશને પણ ધરણાં પર બેસવાની મક્કમતા વ્યક્ત કરી હતી. તેથી રવિવારે રાતથી જ માનગઢ ચોક, મિનીબજાર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન આજે સવારે 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગી આગેવાનો માનગઢ ચોક પહોંચતા તેઓને અટકાયતમાં લેવાયા હતા.
શું કહ્યું પરેશ ધાનાણીએ?
ધાનાણીએ કહ્યું કે, અમરેલીમાં દીકરીને ભોગ બનવું પડ્યું છે તેને ન્યાય મળે તે માટે લડી રહ્યાં છે. પોલીસ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા દઈ રહી નથી. અમે મંજૂરી માંગી પરંતુ અમને તે મળી નથી. ખરેખ તો આંદોલન કે ધરણાં માટે કોઈ મંજૂરી લેવાની જોગવાઈ નથી. પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. અમે શાંતિથી ધરણાં કરવા માંગતા હતા, પરંતુ તેમ કરવા દીધું નથી. અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં કરીશું.
ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા
આ અગાઉ રવિવારે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હીના મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીને પગલે જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે.
શું છે મામલો?
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બોગસ લેટર વાયરલ થયો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટ્રાચારના આક્ષેપો કરાયા હતા. આ કેસમાં પોલીસે પાયલ ગોટી સહિત ત્રણ જણાની ધરપકડ કરી હતી. દરમિયાન અમરેલી પોલીસે આરોપી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું. તેથી પાટીદાર સમાજ નારાજ થયો હતો. મામલો ગંભીર બનતા એસપીએ સીટની રચના કરી તપાસ શરૂ કરી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે સરકાર સામે મોરચો માંડ્યો હતો. રાજકમલ ચોકમાં 468 કલાક સુધી ધરણાં કર્યા હતા. શનિવારે 11 જાન્યુઆરીએ અમરેલી બંધનું એલાન આપ્યું હતું.