SURAT

રત્નકલાકારોના આપઘાતના મુદ્દે સુરતમાં કોંગ્રેસના ધરણા, કરી આ માંગણી

સુરતઃ છેલ્લાં બે વર્ષ કરતા વધુ સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, જેના લીધે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. રોજગારી છીનવાઈ જતા અનેક રત્નકલાકારોએ પાછલાં બે વર્ષમાં આપઘાત કર્યા છે. રત્નકલાકારો સરકારને મદદ માટે ગુહાર લગાવીને થાકી ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ મદદ મળી નથી. સરકાર તરફથી ભલે મદદ નહીં મળી હોય આજે વિપક્ષ કોંગ્રેસ રત્નકલાકારોની વ્હારે આવ્યું હતું.

આજે સુરતના રસ્તાઓ પર કોંગ્રેસ દ્વારા રત્નકલાકારો માટે ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આપઘાત કરતાં રત્નકલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયાં હતાં. સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માગ સાથે ધરણાં કરવામાં આવ્યા હતાં.

રત્નકલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા પોસ્ટરો હાથમાં લઈ રત્નકલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી. કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે, આ દિવસો પણ ચાલ્યા જશે. સમયને થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે. આત્મહત્યા કોઈ ઉકેલ નથી. રાજ્ય સરકાર જો રત્નકલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહી ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે.

સુરેશ સુહાગીયાએ કહ્યું કે, અલગ અલગ સ્લોગન હાથમાં લઇ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજ્યો છે. રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે. સાથે સરકાર પાસે માગ છે કે, રત્નકલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ. હીરાના કારખાનાઓ રત્નકલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી. ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માગ કરાઈ છે.

Most Popular

To Top