સુરતઃ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક અને અપડેટ કરવા સાથે કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે, જેના લીધે ગરીબો લાભોથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. વળી, ઘણી કચેરીઓમાં લાંબી લાઈનો લાગતી હોવા છતાં અધિકારીઓ કામ કરતા નથી. તેથી આજે શહેરના લિંબાયત ઝોનમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસીઓએ અધિકારીઓ પર પૈસા ઉડાવી વિરોધ દર્શાવ્યો હતો, જેથી પોલીસે દોડી જઈ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
રેશન કાર્ડ KYC કામગીરીમાં થઈ રહેલ ધાંધિયા અને ભ્રષ્ટાચાર સામે લોકહિતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લિંબાયત ઝોન વિસ્તારનાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવ કરવામાં આવ્યા જેમાં ગોડાદરા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સ્થળ પર વિરોધ પ્રદર્શન કરી રહેલ અગ્રણીઓને ડીટેન કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના ગોડાદરા સ્થિત લિંબાયત ઝોન પુરવઠા ઓફિસ પર KYC કામગીરીમાં ચાલતા ધાંધિયા અને ભ્રષ્ટાચારથી સ્થાનિક ગરીબ શ્રમિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આશરે ૧૫ લાખ કરતાં વધુની વસ્તી ધરાવતા સુરત શહેરનાં સૌથી મોટા શ્રમિક વિસ્તારમાં સરકારી વિભાગ ઓરમાયું વર્તન કરતું હોય એવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે. કચેરીના પહેલાં માળે પુરવઠા ઝોન ઓફિસમાં જવા-આવવા માટે માત્ર દોઢ ફૂટનો દાદર છે અને એ જ દાદર પર પુરૂષો સાથે મહિલાઓ લાઈનમાં અગવડતામાં ઊભા રહેવા મજબૂર બની છે.
KYC માટે રોજનાં આશરે ૫૦૦ રાશન કાર્ડ ધારકો આવે છે જેમાં માંડ સવારે ૧૦.૪૫ કલાક થી સાંજે ૬.૧૦ કલાક સુધીમાં માત્ર આશરે ૧૦૦ રાશન કાર્ડ ધારકોની KYC થાય છે. સરકારી તંત્રની આડોડાઈના લીધે વિદ્યાર્થી અને શ્રમિકોને ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે.
કોંગ્રેસી અસલમ સાયકલવાલાએ કહ્યું કે, લિંબાયત પુરવઠા ઝોન ઓફિસ લિંબાયત વિધાનસભા અને ચોર્યાસી વિધાનસભાનાં ઘણાં વિસ્તારને આવરી લેતી હોય તેમ છતાં મહિલાઓ પડતી યાતના સ્થાનિક મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલની દૃષ્ટિ ન પડે એ દુઃખદ છે. ઉપરાંત ધારાસભ્ય સંદિપ દેસાઈને સ્થાનિક ગરીબ શ્રમિક લોકોને એમની સરકારનાં વિભાગ દ્વારા જે સમસ્યા થઈ રહી છે એનાં દેખાય એ શર્મનાક છે.