Gujarat

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી : ફેબ્રુ.-માર્ચમાં સભ્ય નોંધણી ઝુંબેશ

કોંગ્રેસ પક્ષની ડિજિટલ મેમ્બરશીપ ઝુંબેશ તારીખ ૧૪ થી ૨૪ ફેબ્રુઆરી ગ્રામ્ય વિસ્તારમાં અને તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૫ માર્ચ સુધી શહેરી વિસ્તારમાં શરૂ થઈ રહી છે. ડિજિટલ સભ્ય નોંધણી ઝુંબેશને વેગવંતી અને અસરકારક બનાવવા માટે જેતે વિધાનસભા બેઠકનાં બુથ મેનેજમેન્ટ માટે વરિષ્ઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હોવાની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની સભ્ય નોંધણી અને મહા જન સંપર્ક અભિયાન તા. ૧૪ ફેબ્રુઆરી થી ૨૪ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય વિસ્તારમાં અને તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૫ માર્ચ સુધી શહેરી વિસ્તારમાં એમ બે તબક્કામાં યોજાશે. કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબુત કરવા માટે જિલ્લા, તાલુકા પંચાયત અને મહાનગરોના તમામ વોર્ડ અને 52 હજાર થી વધુ બુથ ઉપર જનમિત્રો અને 13 લાખથી વધુ પેજપ્રભારી સંગઠનના વિસ્તૃતિકરણ અને બુથ મેનેજમેન્ટ માટે મહા જન સંપર્ક અભિયાનમાં ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં યુવા વિરોધી, મહિલા વિરોધી, ખેડૂત વિરોધી અને નાના વેપારી વિરોધી નીતિ-રીતિને ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનાર ”મહા જન સંપર્ક અભિયાન” કાર્યક્રમ અંગે ઠાકોર જણાવ્યું હતું કે કોરોના મહામારી – બેરોજગારી – કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતા આજે ખુબ કપરા સમયમાં પોતાનુ જીવન જીવી રહી છે. આ કપરા સમયમાં સરકાર તરફથી લોકોને હુંફ – મદદ – રાહત – સહાયતા મળવી જોઈએ, જેના બદલે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા રૂપી શાસનને વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાને ઉત્સવો – તાયફાઓ પાછળ વેડફી રહી છે.

ગુજરાતનો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર – મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, મંદીનો માહોલ છે, ધંધો-વેપારને અસર થઈ છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે. ગુજરાતના છ કરોડ નાગરિકોના આક્રોશ, વ્યથા, લાગણી અને માંગણી વાચા આપવા, માટે કોંગ્રેસ માટે કોંગ્રેસ પક્ષ મહા જન સંપર્ક અભિયાન તથા સભ્ય નોંધણી ઝુંબેશ તા. ૧૪ ફેબ્રુઆરીથી ૫ માર્ચ દરમ્યાન કાર્યક્રમ યોજાશે. 2022ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા લોક સભાની બેઠકો દીઠ બે નિરીક્ષકો નીમવામાં આવ્યા છે. આમ રીતે કોંગ્રેસ દ્વારા 52 નિરીક્ષકોની વરણી કરી દેવાઈ છે. આ નિરીક્ષકોની જવાબદારી હાલમાં તો સભ્ય નોંધણી તથા બુથ મેનેજમેન્ટ રહેશે.

Most Popular

To Top