સુરત: સારોલી પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદે દારૂના અડ્ડા સામે મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં જનતા રેડ કરવામાં આવી હતી. ભારત કેન્સર હોસ્પિટલની સામે લાંબા સમયથી ચાલી રહેલા દારૂના ખુલ્લા વેપારથી પરેશાન સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસના આગેવાનોએ એકઠા થઈ આ રેડ હાથ ધરતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ધંધા અંગે વારંવાર ફરિયાદો છતાં સારોલી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ હતો.
- થોડા દિવસો પહેલા પોલીસને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું
- આગેવાનોએ પોલીસને જાણ કરતાં સ્થળ પરથી મુદ્દામાલ કબ્જે કરાયો પરંતુ બુટલેગરની ધરપકડ મુદ્દે પોલીસનું મૌન
- પીઆઈ તેમજ વહીવટદારોને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની માંગણી
કેન્સર હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાની સામે મોટા પાયે દારૂનું વેચાણ ચાલે અને પોલીસને તેની જાણ ન હોય એવું માનવું સ્થાનિકો માટે અશક્ય લાગતું હતું. નાગરિકોએ સ્પષ્ટ આરોપ મૂક્યો કે સ્ટેશનનો વહીવટ જાણે બુટલેગરો તરફ વધુ “સારસંભાળ” બતાવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા થોડા દિવસો પહેલા પોલીસને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું, છતાં કોઈ કાર્યવાહી ન થતાં જનતા રેડ કરવાનો નિર્ણય લેવાયો હતો.
રેડ દરમિયાન આશરે 1000થી વધુ દારૂની બોટલો અને દેશી દારૂના અનેક પીપડાં બહાર પડ્યાં હતાં. જથ્થો એટલો મોટો હતો કે જાણે વિસ્તારમાં વર્ષોથી કોઈ મીની-વેરહાઉસ ચાલતું હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં પ્રશ્ન ઊભો થયો કે આટલો મોટો ધંધો ચાલતો હોય અને પોલીસને ખબર ન પડે, એ કેવી રીતે શક્ય છે?
કોંગ્રેસના આગેવાનો દ્વારા રેડ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં સ્ટેશનના સ્ટાફે સ્થળ પર પહોંચી મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ બુટલેગરોની ધરપકડ અંગે કોઈ સ્પષ્ટ જવાબ ન આપતાં પોલીસ તંત્રની ગંભીરતા ફરી એકવાર સવાલોમાં આવી ગઈ હતી.
વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે, સુરતને ડ્રાય બનાવવા જનતા વધુ પ્રતિબદ્ધ છે, પોલીસ નહીં. સ્ટેશન સ્તરે તંત્રની નિષ્ક્રિયતા હવે સહન ન થાય તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. કોંગ્રેસે આ મુદ્દે સત્તાવાર ફરિયાદ અને આગળ વધીને વધુ કાનૂની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. આ રેડ બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાને લઈ નાગરિકોમાં ગંભીર અસંતોષ જોવા મળી રહ્યો છે.
દારૂની અનેક ફરિયાદો છતાં કાર્યવાહી નહીં: ઉધનાવાલા
ઉધનાવાલા દ્વારા જણાવાયું છે કે, સારોલીના પીઆઇ વેકરિયાના વિસ્તારમાં દારૂના ધમધમતા અડ્ડા અંગે અનેક લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં શહેર પોલીસે સત્વર કાર્યવાહી કરી ન હતી. આ પરિસ્થિતિને કારણે કોંગ્રેસે જનતા રેડ કરી હતી.
રેડ દરમિયાન ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા સામે ગંભીર બેદરકારી જોવા મળી હતી. કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે, પીઆઇ વેકરિયા સાથે વહીવટદારો યશપાલસિંહ અને પરેશને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની જરૂર છે.
અગાઉ કાપડ માર્કેટમાં જીએસટીનાં ફ્રોડ ચલણો બનાવી કરોડો રૂપિયાની ખાઈકી કરવાના આક્ષેપો પણ સામે આવી ચૂક્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં રોડ પર ચાલતા દારૂના અડ્ડા સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.