AHEMDABAD : રાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીને બેઠકનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના નિરીક્ષક તામ્રધ્વજ શાહુ (TAMRDHAVAJ SHAHU) ની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારોની બેઠકોનો દોર શરૂ થયો છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે એનએસયુઆઈ (NSUI) ના કાર્યકરો દ્વારા દેખાવો યોજાયા હતા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એનએસયુઆઈના યુવા કાર્યકરોને ટિકીટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. દેખાવો કરી રહેલા એનએસયુઆઇના કાર્યકરોએ નિરીક્ષક તામ્રધ્વજ શાહુ ની ગાડીના કાફલા સામે સૂત્રોચ્ચાર કરી એન.એસ.યુ.આઇ.ના યુવા કાર્યકરોને ટિકીટ ફાળવવામાં આવે તે માટે રજૂઆત કરાઇ હતી.
કોંગ્રેસ હાઈ કમાન્ડ (CONGRESS HIGH COMMAND) દ્વારા તામ્રધ્વજ શાહુને ગુજરાતમાં કો-ઓડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે. તેઓ અમદાવાદ આવી પહોંચતા વિમાની મથક ખાતે ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે છેલ્લા ૨૫ વર્ષથી ઓબીસી સમાજને ભારે નુકસાન કર્યું છે. સમાજનો 52 ટકા વર્ગ ઓબીસી સમાજમાંથી આવતો હોવા છતાં, બજેટમાં એક ટકો બજેટ પણ આ સમાજ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફાળવવામાં આવતું નથી.
ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, આટલો મોટો સમાજ હોવા છતાં આ સમાજ સંગઠિતન હોવાથી મુઠ્ઠીભર લોકો તેનો લાભ ઉઠાવી જાય છે. જો સમાજ સંગઠિત થઈ નક્કી કરે કે જે સરકાર આપણી ચિંતા કરતી હોય તે સરકારને આપણે ચૂંટીને લાવીએ તો સમાજનો ચોક્કસ વિકાસ થઈ શકે. ચાવડાએ કહ્યું હતુ કે કોઈપણ સરકાર આવે તેમના ઘરમાં અનાજ કે પૈસા આપી જવાની નથી, પરંતુ એક સરકાર એવી હોય છે કે જે સમાજ માટે એવી નીતિ કે યોજના બનાવે જેનાથી તે સમાજના લોકોનો વિકાસ અને ઉન્નતી થાય. જ્યારે બીજી સરકાર એવી હોય છે કે જે એવી નીતિ બનાવે કે માત્ર મુઠ્ઠીભર લોકોનો જ વિકાસ થાય સમાજની ઉન્નતિ અને વિકાસ થતો નથી. તેથી સમાજની ઉન્નતિ અને વિકાસ માટે ચિંતા કરતી હોય તેવી સરકારને સત્તાસ્થાને લાવવી જોઈએ.