Editorial

કોંગ્રેસ હવે તેના જૂના અને નકામા નેતાઓ દૂર કરી નવી યુવા નેતાગીરી ઉભી કરશે તો જ બચશે

ફરી એક વખત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી ગઈ. જે પાર્ટી પાસે એક સદી કરતાં પણ વધારે સમયનો અનુભવ હોય, જે પાર્ટીમાંથી મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને છેલ્લે મનમોહનસિંહ જેવા નેતાઓ આવ્યા હોય તેવી કોંગ્રેસ પાર્ટીની છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં સતત હાર એ કોંગ્રેસ માટે આત્મમંથનનો મોટો વિષય છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત છુટું પડ્યું ત્યારે કોંગ્રેસની સરકાર બની હતી.

1960થી શરૂ કરીને 1990 સુધી કોંગ્રેસે ગુજરાતમાં સત્તો ભોગવી. વચ્ચે બે-ચાર વર્ષને બાદ કરતાં કોંગ્રેસનો સિતારો ચમકતો રહ્યો હતો પરંતુ 1990 બાદ કોંગ્રેસ ગુજરાતમાં એવી પછડાઈ કે ફરી ક્યારેય બેઠી થઈ શકી નથી. લોકોએ એક-બે વખત મત આપીને બેઠી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એકબીજાને પાડી દેવાની કોંગ્રેસના નેતાઓની જીદમાં પાર્ટી બેઠી થઈ નહીં અને હવે મતદારોએ પણ કોંગ્રેસના નામનું નાહી જ નાખ્યું છે.

કોંગ્રેસે ગુજરાતમાંથી જ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા નેતાઓ આપ્યાં હતાં પરંતુ કોંગ્રેસના હાલના નેતાઓને લોકોની સેવા કરવી જ નથી. માત્ર ગતકડાં જ કરવા છે. કોંગ્રેસના કોઈ જ નેતા માટે ચૂંટણી એ ગંભીરતાનો વિષય નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે જાગવું, પૈસા લઈને ટિકિટો આપવી, પોતાના જુથના માણસોને જ સંગઠનમાં બેસાડવા અને ચૂંટણી લડાવવી અને છેલ્લે કોંગ્રેસ ભલે હારી જાય, પોતાનું ઘર ભરી લેવું. કોંગ્રેસના અનેક નેતા એવા છે કે જે નાણાં ખર્ચીને ટિકિટ લે છે અને બાદમાં ચૂંટણીમાં પક્ષ અને અન્ય સ્ત્રોતમાંથી આવેલા નાણાં ઘરમાં મુકી દઈ પ્રચાર પણ કરતાં નથી અને પાર્ટીએ હારનું મોઢું જોવું પડે છે.

ભૂતકાળમાં સુરતમાં કોંગ્રેસના એક મહિલા નેતાએ વિધાનસભાની ચૂંટણીમાં એક કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ નેતાની ડિપોઝીટ ડૂલ થઈ હતી પણ તેઓ તરી ગયા હતાં. કોંગ્રેસની આ હાલત છે. ક્યાં કયા ઉમેદવારને મુકવો, ઉમેદવારનું વજન છે કે કેમ? તેની ચકાસણી વિના જ આડેધડ ટિકિટો આપવામાં આવે છે. સરવાળે વર્ષો સુધી કોંગ્રેસની સાથે રહેનારા સાથ છોડી દે છે અને કોંગ્રેસ માટે હાર સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી.

કોંગ્રેસમાં કેટલાક એવા નામચીન જુથ છે કે જેઓને માત્ર પૈસા ભેગા કરવામાં જ રસ છે. આ જુથના નેતાઓ પોતે ચૂંટણી લડવા બેસે તો જીતી શકે તેમ નથી. ભૂતકાળમાં આવા નેતાઓ ચૂંટણી લડ્યા પણ હતાં પરંતુ ખરાબ રીતે હારી ગયા હતાં. આવા નેતાઓ છેક પ્રદેશથી નીચેના સ્તર સુધી પોતાનું જુથ ચલાવે છે.

આ નેતાઓને માત્ર પોતાના જુથના માણસોને જ આગળ લાવવામાં રસ છે અને તેને કારણે કોંગ્રેસની દશા માઠી થઈ ગઈ છે. છેલ્લા અઢી દાયકામાં કોંગ્રેસ દ્વારા સતત જે તે પદ પર અયોગ્ય માણસોને જ બેસાડી દેવામાં આવ્યા છે અને તેને કારણે કોંગ્રેસ ઉભી જ થઈ શકી નથી. મનપાઓમાં મેયર સહિતના પદાધિકારીઓ હોય, જિલ્લા પંચાયતોમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓ હોય કે પછી વિપક્ષમાં વિપક્ષી નેતાનું પદ હોય, કોંગ્રેસ દ્વારા કાયમ એવા માણસોને જ બેસાડવામાં આવ્યા છે કે જે પોતાના જુથના નેતાની કદમબોશી કરવામાં જ વ્યસ્ત રહ્યાં હોય.

પદ પર બેસનારા આવા નેતાઓની હાલત એવી હોય છે કે તેઓ શાસન માટેના કાયદાઓ જાણતાં નથી અને જ્યાં વિરોધ કરવાનો હોય ત્યાં શાસકો સાથે બેસી જાય છે. જેને કારણે મતદારો કોંગ્રેસથી સતત વિમુખ રહ્યાં છે. ત્યાં સુધી કે હવે મતદારો કોંગ્રેસને વિપક્ષમાં બેસવા માટે પણ લાયક ગણતાં નથી.

આઝાદી બાદના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં આ વખતે 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ ખૂબ જ ખરાબ રીતે હારી છે. હાર થાય અને જે તે પ્રમુખો કે વિપક્ષી નેતાઓ રાજીનામા મુકે તે પુરતું નથી.

કોંગ્રેસે આવા નેતાઓને સજા કરવી જોઈએ. કોંગ્રેસે ભાજપ પાસેથી એ શીખવાની જરૂરીયાત છે કે કેવી રીતે સંગઠનને મજબુત બનાવી શકાય અને કેવી રીતે નેતાઓની નવી કેડરને તૈયાર કરી શકાય. જૂના માણસોને સાચવવામાં કોંગ્રેસ પાર્ટી જ પતી જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. લોકો જાતે કોઈ મુદ્દા ઉભા કરે તો કોંગ્રેસ તે મુદ્દા પર મત લેવાની ગણતરી રાખે છે પરંતુ કોંગ્રેસના નેતાઓએ જાતે લોકોની સમક્ષ જઈને કામ કરવું નથી.

હજુ પણ સમય છે. ગુજરાતમાં કોંગ્રેસના 30થી 35 ટકા કમિટેડ મતદારો છે જ. ભાજપ અને કોંગ્રેસને મળેલા મતો વચ્ચેનું અંતર 15થી 20 ટકાનું જ છે. હજુ પણ કોંગ્રેસ બેઠી થઈ શકે છે. કોંગ્રેસને બેઠી કરીને કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનું નહીં પરંતુ ગુજરાતની પ્રજાનું ભલું કરશે. કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો એક મજબુત વિપક્ષ હોવો જ જોઈએ.

ચાહે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી અન્ય કોઈ પક્ષ. કોંગ્રેસ પોતાના જૂના અને નકામા થઈ ગયેલા નેતાઓને બાજુ પર મુકે, નવા યુવા નેતાઓને આગળ લાવે તો જ કોંગ્રેસ બચી શકશે. અન્યથા કોંગ્રેસમુક્ત ભારતનું મોદીનું સપનું સાકાર થશે જ તેમાં કોઈ બે મત નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top