Editorial

કોંગ્રેસમાં હવે જીતેલા રાજ્યોને સાચવવાની પણ તાકાત રહી નથી

કોંગ્રેસ એવો મજબૂત વિપક્ષ છે કે તેની મતોની ટકાવારી ગણીએ તો દેશનો મોટો વર્ગ હજી પણ કોંગ્રેસની વિચારધારામાં માને છે અને વર્ષોથી તેને જ મત પણ આપે છે. કોંગ્રેસની વિચારધારા  ધરાવતા લોકો તો તેને સત્તાના સિંહાસન પર બેસાડે છે પરંતુ કોંગ્રેસના નેતાઓમાં સત્તા સાચવવાની  અથવા તો પચાવવાની તાકાત રહી નથી તેવું હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે. હવે પંજાબની જ વાત કરીએ તો પંજાબમાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતિથી સરકારમાં છે અને જ્યારે મોદી લહેર ચરમસીમા પર હતી તેવા સમયે પ્રજાએ પંજાબમાં કોંગ્રેસની સત્તાની કમાન સોંપી હતી પરંતુ હાલની સ્થિતિ જોઇએ તો પંજાબ કોંગ્રેસમાં વિવાદો દિવસે ને દિવસે વધી રહ્યા છે.

સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ અને કેપ્ટન અમરિંદનરને સીએમ પદ પરથી હટાવ્યા બાદ વિવાદ સમવાને બદલે વકરી ગયો છે. સિદ્ધુએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે તો કેપ્ટન અમરિંદરસિંહ બળવાની તૈયારીમાં છે. હાલ પંજાબ પ્રભારીની જવાબદારી હરીશ રાવતને સોંપવામાં આવી છે. જોકે હરીશ રાવત અને કેપ્ટન અમરિંદરસિંહ બન્ને એકબીજા પર આરોપો લગાવી રહ્યાં છે. હરીશ રાવતે કેપ્ટન પર ટોણો મારતા કહેલુ કે એમ જ કોઇ બેવફા નથી થતું, કોઇ મજબૂરી જરૂર રહી હશે.

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કેપ્ટન અમરિંદરસિંહ કોઇ દબાણમાં લાગે છે તેથી જ કોંગ્રેસ છોડી રહ્યા છે. ગઇ કાલે કેપ્ટને કહ્યું હતું કે તેઓને અપમાનિત કરવામાં આવ્યા હોવાથી કોંગ્રેસ છોડી દેશે. તેઓ દિલ્હીમાં ભાજપ નેતા અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલને પણ મળ્યા હતા. તેથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.  બીજી તરફ કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું હતું કે મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યો તેના ત્રણ સપ્તાહ પહેલા જ મે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું પણ મારી આ ઓફરને સોનિયા ગાંધીએ નહોતી સ્વિકારી અને મને કોંગ્રેસમાં જ રહેવા કહ્યું હતું. 

મને હવે આશ્ચર્ય નથી થતું કે કોંગ્રેસના હરીશ રાવત જેવા સીનિયર નેતાઓ મારી બિનસાંપ્રદાયિક્તા પર સવાલો ઉઠાવી રહ્યા છે. રાવતે મારી કરેલી ટીકા એ વાતનો પુરાવો છે કે કોંગ્રેસ પાર્ટીમાં હવે મારૂ કોઇ માન સન્માન પહેલા જેવુ નથી રહ્યું.  હરીશ રાવત પર પ્રહારો કરતા કેપ્ટને કહ્યું કે રાવત મારૂ ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે, હું હવે કોંગ્રેસમાં રહેવા નથી માગતો. આ સંપૂર્ણ વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે દુર્ભાગ્યથી કોંગ્રેસ પાસે કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોંગ્રેસમાં કોણ નિર્ણય કરી રહ્યું છે.

લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેના પર વિચાર કરવાની જરૂર છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માંગ કરી છે. તો બીજી તરફ સંપૂર્ણ બહુમતિથી લોકોએ છત્તીસગઢમાં પણ કોંગ્રેસને સરકાર સોંપી છે તો ત્યાં બધેલ અને સિંહદેવ વચ્ચે લડાઇ ચાલી રહી છે. બધેલ અને સિંહદેવ મંગળવારે સવારે રાહુલ ગાંધીના નિવાસ ૧૨, તુગલક લેન ખાતે પહોંચ્યા હતા. બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલ અને પક્ષના છત્તીગઢના પ્રભારી પી.એમ.પુનિયા પણ મોજૂદ રહ્યા.

જો કે ત્યાં પણ વિવાદનો કોઇજ અંત આવ્યો નથી. છત્તીસગઢ કોંગ્રેસના બે જૂથો બધેલ જૂથ અને સિંહદેવ જૂથ વચ્ચેનો વિવાદ એ હદે વકરી ગયો છે કે મુખ્યમંત્રી બધેલના ટેકેદાર એવા એક ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે આરોગ્યમંત્રી ટી.એસ.સિંહદેવ પર આક્ષેપ કર્યો કે તેઓ (સિંહદેવ) પોતાની હત્યા કરાવીને મુખ્યમંત્રી બનવા માગે છે. તેવી જ હાલત રાજસ્થાનમાં પણ છે ત્યાં પાયલટ અને ગેહલોત વચ્ચે ચાલી રહેલો જૂથવાદ ચરમસીમાએ છે તો મધ્યપ્રદેશ જેવો જીતેલો ગઢ કમલનાથ અને સિંધિયાની લડાઇમાં કોંગ્રેસ પહેલેથી ગુમાવી ચૂકી છે. આ તમામ રાજ્યોની ઘટનાક્રમ પર નજર કરીએ તો એક બાબત તો સ્પષ્ટ છે કે, પ્રજા ભલે કોંગ્રેસને જીતાડે પરંતુ તેના નેતાઓમાં સત્તા સાચવવાની કોઇ જ ત્રેવડ નથી.

Most Popular

To Top