નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) હાલમાં જ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે આજના ભાજપના ભવ્ય સ્વરૂપ પાછળનું કારણ અટલજી અને આવા અન્ય નેતાઓના મહાન યોગદાનને જણાવ્યું છે. ગડકરીના તાજેતરના નિવેદનો વચ્ચે કોંગ્રેસે (Congress) તેમને તેમની પાર્ટીમાં જોડાવાની ઓફર કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ (Maharashtra Congress President) નાના પટોલેએ કહ્યું છે કે નીતિન ગડકરી ભાજપથી (BJP) નારાજ છે અને ત્યાં સ્થિતિ સારી નથી. અમે તેમને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ (Invitation) આપીએ છીએ. તેઓ અમારી સાથે આવશે તો અમે તેમને ટેકો આપીશું. પટોલેએ એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ગડકરીને મળશે. જણાવી દઈએ કે નીતિન ગડકરી પણ મહારાષ્ટ્રથી આવે છે.
નાના પટોલે કહ્યું- ‘કોંગ્રેસમાં દરેકને બોલવાનો અધિકાર છે’
કોંગ્રેસના મહારાષ્ટ્ર અધ્યક્ષ નાના પટોલેએ મીડિયા ચર્ચામાં કહ્યું કે કોંગ્રેસ એક ડેમોક્રેટિક પાર્ટી છે. આમાં કોઈપણ પદાધિકારીને પોતાની વાત કહેવાનો પૂરો અધિકાર છે. પરંતુ ભાજપમાં એવું કંઈ નથી. પટોલેએ કહ્યું કે હાલમાં જે રીતે પાર્ટીમાં નીતિન ગડકરીની હાલત ચાલી રહી છે તે સારી નથી લાગતી. તેમણે કહ્યું કે નીતિન ગડકરી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. હું તેમને આમંત્રણ આપું છું. આવો અમારી સાથે જોડાઓ. અમે તમારું સ્વાગત કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે જે રીતે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બોલનારની પાછલ ED અને CBI પડી જાય છે તે રીત અમે નથી અપનાવી.
આ મામલે નીતિન ગડકરી સાથે ચર્ચા કરશે
પટોલેએ કહ્યું કે અમે આ મામલે નીતિન ગડકરી સાથે વાત કરવાના છીએ. અમે નીતિન ગડકરીને મળીશું અને અમે તેમને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપીશું. નાના પટોલેએ કહ્યું કે જો નીતિન ગડકરી કોંગ્રેસમાં આવશે તો અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું. આ પહેલા યુપીમાં પણ યોગી સરકારમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને ઓફર કરવામાં આવી હતી. આ ઓફર સપા પ્રમુખ અખિલેશ યાદવે આપી હતી. તેમણે એક ચર્ચામાં કહ્યું હતું કે જો ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પોતાના 100 ધારાસભ્યો સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાય છે તો હું તેમને સીએમ બનાવીશ.