Comments

કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર

મહારાષ્ટ્રમાં જે પરિણામો આવ્યાં ધાર્યાં બહારનાં છે. ભાજપને પણ આવી અપેક્ષા કદાચ નહિ હોય. પણ આ પરિણામોના પડઘા શું પડશે? કારણ કે, ભાજપ અને સાથી પક્ષો માટે આ પરિણામો બહુ ઉત્સાહજનક છે અને એનું પોસ્ટમોર્ટમ થતું રહેશે. કેમ આમ થયું ને કેમ તેમ થયું. મોદીની લોકપ્રિયતા, યોગીનું ‘કટેંગે તો બટેંગે’ સૂત્ર અને સંઘની સક્રિયતા.આવાં બધાં કારણો ચર્ચામાં છે. પણ આ પરિણામોએ એ પણ સિદ્ધ કર્યું છે એન્ટીઇન્કમબન્સીની જેમ પ્રો ઇન્કમબંસી પણ હોઈ શકે છે. એનાથી ય આ પરિણામો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટાં પરિવર્તનો લાવશે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે અને એ સામે સાથી પક્ષો શિંદે શિવસેના અને અજીત પવારની એનસીપી વાંધો ઉઠાવી શકે એમ નથી. એવી સ્થિતિમાં પણ નથી. કારણ કે, ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ છે. પણ મહત્ત્વની વાત એ છે કે, ફડણવીસ અને આર. એસ. એસ. વચ્ચે નજદીકિયા વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં મતદાન પૂરું થયા પછી કહે છે કે, ફડણવિસે પહેલો ફોન મોહન ભાગવતને કર્યો હતો અને પરિણામ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફડણવીસને ફોન કરી અભિનંદન આપ્યા હતા. આ કેટલાક અણસારો આપે છે. ઇશારા કરે છે. ફડણવીસ સંઘની નજીક સરકી રહ્યા છે અને એમને મોદી – શાહની જોડીથી દૂર લઈ જવા સંઘ પ્રયત્નમાન છે એવી વાતો વહેતી થઇ છે. આ વાતમાં કેટલો દમ છે એ તો થોડો સમય વીત્યા બાદ ખ્યાલ આવશે.

બીજું કે, મહાયુતિ સરકારમાં હવે ભાજપનું વર્ચસ્વ વધશે. અજીત પવાર ફરી નાયબ મુખ્યમંત્રી બનશે કે કેમ? શિંદે નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર થશે કે કેમ? કે પછી એમને કેન્દ્રમાં લઇ જવાશે. પણ અહેવાલો છે કે, શિંદે મહારાષ્ટ્રમાં રહેવા માગે છે અને એમ થાય તો એમના પુત્રને કોઈ ઇનામ મળે એવું બની શકે. બીજું, અજીત પવારને હવે પહેલાં હતાં એવાં મહત્ત્વનાં ખાતાં નહિ મળે.

એનાથી ય મહત્ત્વનું એ છે કે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું હવે શું ભવિષ્ય? આ બંને પક્ષોનો જે રીતે રકાસ થયો છે એમાંથી બેઠા થવું બંને માટે મુશ્કેલ છે. કોંગ્રેસની હાલત સૌથી ખરાબ છે. પણ શરદ પવારની એક તો ઉંમર થઇ છે અને એમના વારસદાર કોણ બનશે એ નક્કી નથી. દીકરી સુપ્રિયા સુળે સંસદમાં છે. આમેય પવારે કહેલું કે, આ એમની છેલ્લી ચૂંટણી છે. પણ પરિણામ જે આવ્યાં એ પછી તો પવાર પરિવાર માટે એમની પાર્ટીને બેઠી કરવાનું કામ કપરું બનવાનું છે.

ઉધ્ધવ ઠાકરેની સ્થિતિ પણ ખરાબ થઇ છે. બેઠક તો ઘટી છે પણ મહારાષ્ટ્રમાં બાલાસાહેબનો વારસો સાચવવામાં નિષ્ફળ ગયા છે. એમનો પુત્ર આદિત્ય જુવાન છે એ સાચું પણ એ પક્ષનું સુકાન સંભાળી શકે એટલા લોકપ્રિય નથી. તો હવે ઉદ્ધવ પાસે શું રસ્તો? એમ તો અહેવાલ એવાય આવ્યા છે કે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ફરી એકઠા થઇ જાય. પણ લાગે છે કે, ઉદ્ધવ અને શરદ પવાર માટે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર ઊભો થયો છે.

ઝારખંડમાં સોરેન વધુ મજબૂત બન્યા
મહારાષ્ટ્રમાં મહાયુતિના મહાવિજયમાં ઝારખંડમાં સોરેનનાં ઝામુમોનો વિજય થોડો દબાઈ ગયો. પણ અહીં ઝામુમો અને કોંગ્રેસે કમાલ કરી દેખાડી અને આ વિજયનો પૂરો યશ હેમંત સોરેનને જાય છે. કારણ કે, એમણે વિપરીત સ્થિતિમાં આ વિજય મેળવ્યો છે. એક સમયે ભાજપની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા સોરેન બાદમાં કોન્ગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા. બાદમાં ભાજપ સરકાર આવી અને ૨૦૧૯માં ફરી મુખ્યમંત્રી બન્યા. એમને મની લોન્ડરિંગમાં પકડવામાં આવ્યા અને જેલમાં એ ગયા બાદમાં જામીન મળ્યા અને એ પછી સોરેને જે સંઘર્ષ કર્યો એ કાબિલેદાદ છે.

કારણ કે, એ જેલમાં ગયા બાદમાં એમના જ પરિવારના સભ્ય ચમ્પઈ સોરેનને મુખ્યમંત્રી બનાવ્યા અને સોરેન બહાર આવ્યા બાદ એમણે રાજીનામું આપવું પડ્યું એ ચમ્પઈને ગમ્યું નહોતું અને એનો લાભ લઇ ભાજપે એમને મનાવી લીધા અને ચમ્પઈ ભાજપમાં ગયા અને આ કારણે લાગતું હતું કે, હેમંત સોરેનને સમસ્યા આવશે. પક્ષમાં કેટલીક તકલીફો હતી. બહારનું દબાણ પણ હતું. વિપક્ષ હુમલા પર હુમલા કરતો હતો. આ બધા વચ્ચે એમણે મોરચો સંભાળ્યો. એમના ખભે આદિવાસી આશાનો ભાર હતો. વિપક્ષે ઘણાં તીર છોડેલાં, ઘૂસણખોરીનો મુદો્ પણ ચર્ચામાં રહ્યો પણ સોરેને કોંગ્રેસ સાથે રહી ભાજપને પછડાટ આપી. પોતાને અન્યાય કરાયો છે એ વાત ઝારખંડની પ્રજાને ગળે ઊતરી.

બીજું કે, ભાજપની બેઠકો પણ ઘટી છે. એટલે કે આદિવાસી નેતા તરીકે સોરેન વધુ મજબૂત બન્યા છે. ચોથી વાર એ મુખ્યમંત્રી બન્યા છે. પણ મહારાષ્ટ્રનાં પરિણામોમાં સોરેનના વિજયની સરાહના થવી જોઈએ એટલી ના થઇ. એક પ્રકારે અરવિંદ કેજરીવાલની જેમ એ લડ્યા અને કેન્દ્રીય એજન્સીઓ સામે ઝૂક્યા નહિ. આવા ઝનૂન સાથે લડવું અને જીતવું એ ભારતના રાજકારણમાં એક ઘટના ગણાવી જોઈએ. કોંગ્રેસ માટે પણ આશ્વાસન છે, કોંગ્રેસે અહીં બેઠકો જાળવી રાખી છે એટલે સત્તામાં ભાગીદાર પણ બનશે. ભાજપની કોઈ કારી અહીં ફાવી નહિ એ દર્શાવે છે કે, આદિવાસી સમીકરણોમાં ભાજપ ફીટ બેઠો નથી.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top