Comments

કોંગ્રેસ મરે તેનો વાંધો નથી, સોનિયા – રાહુલ – પ્રિયંકાએ જીવી જવું છે

દેશમાં કોંગ્રેસ સિવાય અનેક રાજકીય પક્ષો છે અને કોંગ્રેસ નામશેષ થવામાં છે એવું ભાજપ કહે છે, છતાં વડા પ્રધાન મોદી અન્ય કોઇ પક્ષ પર નહીં તેટલો કોંગ્રેસ પર જ પ્રહાર કરે છે. એટલે હજુ પણ તેમને જે પક્ષ ભાજપનો પ્રતિસ્પર્ધી જણાય છે તે કોંગ્રેસ જ છે. વડા પ્રધાનમાં રાજકીય શાણપણ છે. તેઓ જાણે છે કે કોંગ્રેસને નામશેષ જાહેર કરી શકાય છે, પણ તે હજુ નામશેષ થાય તેમ નથી. માત્ર કોંગ્રેસ જ એવો પક્ષ છે, જે દેશવ્યાપી અસ્તિત્વ ધરાવે છે અને જો યોગ્ય નેતૃત્વ મળે તો ફરી ભાજપના વિકલ્પે ઊભો થઇ શકે છે.

પણ કોંગ્રેસની પોતાની સૌથી મોટી સમસ્યા તેમના એ જ નેતાઓ છે, જે પક્ષનું નેતૃત્વ કરે છે. ભાજપ પરિવારવાદની આકરી ટીકા કરે છે પણ સોનિયા, રાહુલ કે પ્રિયંકા તેનો જવાબ આપી શકતાં નથી. કોંગ્રેસમાં મોટું ઓપરેશન જરૂરી છે પણ આ  ત્રણ જો એ ઓપરેશન સ્વીકારે તો સહુથી પ્રથમ પોતાને જ બાદ કરવા પડે એટલે તેઓ બીજી બધી દલીલો પ્રહારો કરશે પણ પોતે ત્રણ વિશે એક શબ્દ પણ બોલશે નહીં. દેશનાં પાંચ રાજયોમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે પણ આ વખતે સોનિયા ગાંધી જ નહીં, રાહુલ પણ પ્રચારમાં જણાતા નથી. પ્રિયંકા વાડ્રાને તેમણે પ્રચારનું સુકાન સોંપ્યું છે, પણ પ્રિયંકા કાંઇ બધેબધ દોડી શકે તેમ નથી એટલે તેનામાં ધારી આક્રમકતા પ્રવેશતી નથી. ઉત્તરપ્રદેશમાં તો ભાજપ અને સમાજવાદી પક્ષ વચ્ચે સંગ્રામ ખેલાતો હોવાનું જણાય છે.

આ વખતે પંજાબમાં પણ કોંગ્રેસના હાલ બૂરા છે કારણ કે ભાજપના વધતા પ્રભાવ વચ્ચે પણ કોંગ્રેસને પંજાબમાં સત્તાસીન રાખનાર કેપ્ટન અમરીંદરને જ તેમણે પક્ષમાંથી બાજુ પર હડસેલી દીધા હતા. મુખ્ય મંત્રીપદેથી હટાવી દીધા હતા. આના જેવી મૂર્ખામી કોઇ કરી ન શકે પણ કોંગ્રેસ એટલે કે સોનિયા, રાહુલ, પ્રિયંકા કયા રાજયમાં કયો નેતા તેમને જીતાડી શકે તે સમજી શકતા નથી.વાત તો એ છે કે સામાન્યજનને હવે કોંગ્રેસ વિશેની ચર્ચા પણ ગમતી નથી. જે વેન્ટિલેટર પર હોય તેનો લાઇફ ઇન્સ્યોરન્સ કાઢવા કોઇ તૈયાર ન થાય. પણ કોંગ્રેસ કે જે ઇન, મીન તીનમાં સમેટાઇ ગઇ છે તે હજુ પણ સમજવા તૈયાર નથી. જી-૨૩ ના નેતાઓએ સ્પષ્ટ રીતે બગાવત કરી તો પણ આ ત્રણને ફરક નથી પડયો અને હવે મંગળવારે કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કાયદા મંત્રી અશ્વિનકુમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

જો કે આ રાજીનામા વિશે સોનિયા કે રાહુલ પ્રિયંકા કોઇ મોટી જાહેર પ્રતિક્રિયા નહિ આપશે કારણ કે એવી પ્રતિક્રિયાનો અર્થ કોંગ્રેસની નામોશી જાહેર કરવાનો થાય છે. અશ્વિનીકુમાર પંજાબમાંથી બે વાર રાજયસભામાં ગયા હતા અને પંજાબના રાજકારણ પણ તેમનો એક જુદો પ્રભાવ હતો. તેઓ સમજી શકતા હતા કે પંજાબમાં કોંગ્રેસ કેવી ચાલી રહી છે ને બીજા રાજકીય પક્ષો સામે તેની શી દશા છે. કેપ્ટન અમરિંદરસિંહની હકાલપટ્ટીથી તેઓ નારાજ હતા. પંજાબમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જ તેમણે રાજીનામું આપ્યું છે.

રાજીનામા પછી તેઓ બોલ્યા છે કે પંજાબમાં કોંગ્રેસ હારી રહી છે અને ‘આપ’નો વિજય થશે. જો આમ થશે તો દિલ્હી પછી ‘આપ’ પાસે વધુ એક રાજય આવશે. દિલ્હીમાં જયારે શીલા દીક્ષિત હતાં ત્યારે કોંગ્રેસનો ધ્વજ ઊંચો લહેરાતો હતો. હવે પંજાબમાં પોતે જ જો કોંગ્રેસના ધ્વજને અડધી કાંઠીએ ફરકાવતા હોય તો બીજી શી આશા રાખી શકાય?સોનિયા, રાહુલ, પ્રિયંકાએ સમજવું જોઇએ કે જો તેઓ કોંગ્રેસના હિતેચ્છુ હોય તો પક્ષમાંથી હટી  જાય. કેન્દ્રમાં તો તેમની પાસે નેતૃત્વ સરકી ગયું છે પણ તેનાથી વધુ આઘાતક એ છે કે રાજયોમાં પણ તેમની પાસે સક્ષમ નેતા નથી રહ્યા. જે હતા તે દરેક વિધાનસભા ચૂંટણી દરમ્યાન અને પછી નાના અને નિસ્તેજ થઇ રહ્યા છે. ચૂંટણીઓ નેતાઓને ઉભારવા માટે હોય છે પણ અહીં તો કોંગ્રેસ માટે અવળું બની રહ્યું છે.

સૌથી ખરાબ એ છે કે કોઇ યુવા નેતા કોંગ્રેસમાં શામિલ થવા તૈયાર નથી એટલે જૂના કોંગ્રેસીઓ તો જઇ રહ્યા છે પણ નવા આવી નથી રહ્યા. સોનિયા, રાહુલ, પ્રિયંકા પોતાના અસ્તિત્વને જ કોંગ્રેસ માને છે એટલે તેમને શું કહેવું? કોંગ્રેસ મરે તેનો તેમને વાંધો નથી. બસ, પોતે ટકી જવાં જોઇએ. તેમના આ વલણને કારણે જ કહી શકાય કે ભાજપના સૌથી મોટા સપોર્ટર આ ત્રણ છે. તેઓ ત્રણ કોંગ્રેસને ખરાબથી ખરાબ દશામાં લાવવા સક્રિય હોય તો ફાયદો ભાજપને જ થવાનો. આ વખતનાં પાંચ રાજયોનાં ચૂંટણી પરિણામો ફરી વાર જાહેર કરશે કે કોંગ્રેસ હવે તેના અસ્તિત્વની કટોકટીના અંતિમ તબકકાઓમાં છે. કોંગ્રેસનો ભૂતકાળ કોંગ્રેસને હવે મદદ નથી કરતો બલ્કે એ ભૂતકાળ વડે જ ભાજપ સૌથી મોટા પ્રહાર કરી શકે છે. કોંગ્રેસ જે બિનસાંપ્રદાયિકતાના નામે જે લઘુમતીના મત સાંપ્રદાયિક રીતે મેળવવા લાલાયિત રહેતી એ જ લઘુમતીને સાવ બાજુ પર મૂકી ભાજપ પોતાના વિજયો હાંસલ કરે છે યા વિજયની અપેક્ષા કરે છે. કોંગ્રેસની દશા એવી છે કે તે અત્યારે ચાહે તો પણ હિન્દુતરફી યા મુસ્લિમતરફી થઇ શકે તેમ નથી અને તેમની બિનસાંપ્રદાયિકતાનું કાઠાપણું તો સ્વયં મુસ્લિમ પણ સમજી ચૂકયા છે.

કોંગ્રેસને નવા નેતૃત્વ જ નહીં, નવા વિચારોની પણ જરૂર છે. ભાજપનો નરેન્દ્ર મોદીવાળો સમય તેમના માટે કોફીન પરના છેલ્લા ખીલા જેવો સાબિત થઇ રહ્યો છે અને કમાલ એ છે કે એ ખીલા ઠોકનારા સ્વયં સોનિયા, રાહુલ, પ્રિયંકા જ છે. એટલે અશ્વિનીકુમારના રાજીનામા છતાં કોઇ જાહેર ચર્ચા જાગવાની નથી. ઇન્દિરા ગાંધીએ કેટલાંક મોટા કોંગ્રેસીઓને સાઇડ પર કરેલા ત્યારે તેઓ બેફિકર હતાં કારણ કે કોંગ્રેસના વિપક્ષ બનવાની હેસિયત કોઇ પક્ષની નહોતી પણ એ વલણ રાજીવ ગાંધીએ, સોનિયા અને રાહુલ ગાંધીએ પણ જાળવી રાખ્યું તેમાં કોંગ્રેસની ઘોર ખોદાઈ ગઇ છે. કયારેક થાય છે પોતાના અસ્તિત્વની ચિંતા સ્વયં કોંગ્રેસ નથી કરતી તો આપણે તેની ચર્ચા માટે આટલા તર્ક શા માટે વાપરવા જોઇએ? હા, લોકશાહી માટે કોંગ્રેસ યા અન્ય મજબૂત રાજકીય પક્ષ જરૂરી છે. આમ નથી બનતું ત્યારે ઇન્દિરાએ લાદેલી તેનાથી મોટી રાજકીય કટોકટીની દશા ઊભી થઇ છે. બસ, કોંગ્રેસને માફ ન કરી શકાશે તે આ કારણે. ત્રણ નેતા પોતાને બચાવવા આખી કોંગ્રેસને ડૂબાડતા હોય તો શું કહેવું?
-બકુલ ટેલર
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top