નવી દિલ્હી: EDની ટીમે આજે શનિવારે ગેરકાયદે ખનન (Illegal mining) મામલે મોટી કાર્યવાહી કરતા હરિયાણાના સોનીપતથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવર અને તેમના દિકરાની ધરપકડ કરી હતી. પંવર પર યમુનાનગર વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવાનો આરોપ છે. ત્યારે EDએ સુરેન્દ્ર પંવારને રિમાન્ડ માટે અંબાલાની વિશેષ અદાલત લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસ યમુનાનગર વિસ્તારમાં સિન્ડિકેટ દ્વારા આશરે રૂ. 400-500 કરોડના ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલો છે. ગયા વર્ષે હરિયાણા પોલીસે પવાર અને અન્ય લોકો વિરુદ્ધ ગેરકાયદેસર ખનન કામના સંબંધમાં ઘણી એફઆઈઆર નોંધ્યા પછી EDએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ વર્ષે જાન્યુઆરીમાં EDએ INLDના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ, સુરેન્દ્ર પંવાર અને અન્ય સહયોગીઓના ઘરો પર 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અગાઉ ED આ કેસમાં દિલબાગ સિંહ અને કુલવિંદર સિંહની ધરપકડ કરી ચૂકી છે.
ગેરકાયદે ખનન મામલે દરોડો પાડવામાં આવ્યો
હકીકતમાં આ વર્ષે જાન્યુઆરીમાં EDએ ફરીદાબાદ, સોનીપત, યમુનાનગર, કરનાલ, ચંદીગઢ અને મોહાલીમાં 20 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા હરિયાણાના યમુનાનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં મોટા પાયે રેતી, પથ્થરો અને કાંકરીના ગેરકાયદેસર ખનન સાથે સંબંધિત કેસ સાથે જોડાયેલા છે. જેમાં દિલબાગ સિંહ (પૂર્વ ધારાસભ્ય) અને સુરેન્દ્ર પંવાર (ધારાસભ્ય) અને તેમના સહયોગીઓ આ ગેરકાયદેસર ખાણકામમાં કથિત રીતે સામેલ હતા.
EDએ હરિયાણા પોલીસ દ્વારા દાખલ કરાયેલી અનેક FIR અને ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ સંબંધિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના આધારે કેસની તપાસ શરૂ કરી હતી. તપાસમાં યમુનાનગર જિલ્લામાં વિવિધ સ્ક્રીનીંગ પ્લાન્ટના માલિકો અને સ્ટોન ક્રશર દ્વારા ખનીજનું ગેરકાયદેસર ખાણકામ અને વેચાણ બહાર આવ્યું હતું. જેમાં ચોરીની યુક્તિઓ જેમ કે યોગ્ય ઈ-વે બિલ જનરેટ ન કરવા અથવા તપાસ ટાળવા માટે નકલી દસ્તાવેજો બનાવવાનો પણ સમાવેશ થાય છે.
EDના દરોડામાં આ રિકવરી કરવામાં આવી
સર્ચ ઓપરેશન દરમિયાન EDએ રૂ. 5.29 કરોડ રોકડ, રૂ. 1.89 કરોડનું સોનું, 02 વાહનો, ઇલેક્ટ્રોનિક સાધનો, રોકાણ સંબંધિત દસ્તાવેજો (દેશી અને વિદેશી બંને) અને અન્ય ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પરિસરમાંથી ગેરકાયદેસર હથિયાર, દારૂગોળો અને વધુ પડતો દારૂ મળી આવ્યો હતો. EDએ જાન્યુઆરીમાં દિલબાગ સિંહ (પૂર્વ ધારાસભ્ય) અને તેમના સહયોગી કુલવિંદર સિંહની ધરપકડ કરી હતી અને હવે સોનીપતના ધારાસભ્યની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.