નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) લોકસભા સભ્યપદ રદ થયા બાદ રાજકીય હોબાળો મચી રહ્યો છે. હવે આ મુદ્દો સંસદમાં પણ પહોંચ્યો છે. ત્યારે આજે તમામ વિપક્ષો એકજૂટ થઈ આ મુદ્દે કેન્દ્રની ભાજપ (BP) સરકારને ઘેરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના તમામ સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા. જ્યાં સોનિયા ગાંધી પણ બ્લેક બોર્ડર સાડી પહેરીને સંસદમાં પહોંચ્યા હતા.ગૃહની શરૂઆત થતા જ અદાણી અને રાહુલના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ત્યાર બાદ બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે રાહુલની સદસ્યતા રદ કરવાના લોકસભા સચિવાલયના નિર્ણયનો વિરોધ કરવા સાંસદ કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા.
અદાણી અને રાહુલ મુદ્દે સંસદમાં હંગામો
રાજ્યસભા અને લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ અદાણી અને રાહુલના મુદ્દે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ રાહુલ પરની કાર્યવાહીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામો વધતા રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી અને લોકસભા સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
કોંગ્રેસે વિરોધ પક્ષોની બેઠક બોલાવી
આ પહેલા કોંગ્રેસની અધ્યક્ષતામાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ, DMK, SP, JDU, BRS, CPM, RJD, NCP, CPI, IUML, MDMK, KC, TMC, RSP, AAP, જમ્મુ કાશ્મીર એનસી, શિવસેના (ઉદ્ધવ જૂથ) ના સાંસદોએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠક સંસદમાં સ્થિત મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ હતી. આ સભામાં મોટાભાગના નેતાઓ કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, આજે આ વાત દરેક જગ્યાએ પહોંચી ગઈ છે કે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે જેથી કરીને તેઓ તેમના નજીકના મિત્ર અદાણીને બચાવી શકાય. અમારી પાર્ટીના લોકો વિરોધ કરી રહ્યા છે, રાહુલ ગાંધી પર આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને એક વખત પણ (સદનમાં) બોલવા દેવામાં આવ્યા ન હતા.
આ સાથે જ કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું કે, લોકશાહીનો અવાજ બંધ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ લોકશાહીની સૌથી મોટી પંચાયત ઘર છે. તમે લોકસભામાંથી વિપક્ષના અવાજને શાંત કરી રહ્યા છો. વિપક્ષ કૌભાંડની વાત ન કરે તો શું કરવું? શું અમે તમારી સાથે સહમત છીએ? તમને રાજાશાહી જોઈએ છે. આજે તેઓ ડરી ગયા છે.
PM મોદીની મંત્રીઓ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની રણનીતિને લઈને કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, નીતિન ગડકરી, પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ, અનુરાગ ઠાકુર સહિત તમામ નેતાઓ હાજર હતા.