GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ (CONGRESS) દ્વારા આવતીકાલ તા. ૧લી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તેવી સંભાવના છે. છ મહાનગરપાલિકાઓની નિરીક્ષકો સાથે પ્રદેશ અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે કોંગ્રેસ દ્વારા મેરોથોન બેઠકોનો દોર યોજવામાં આવ્યો છે. તમામ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોના નામની યાદી ઉપર ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રથમ યાદી માટે ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તે જોતા આવતીકાલે કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
જે બેઠકો ઉપર કોઈ વાદ-વિવાદ નથી, ત્યાં ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યાં છે. તેવી બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જે બેઠક ઉપર ઉમેદવારોની દાવેદારી વધુ છે, તે બેઠક ઉપર સર્વાનુમતે એક નામ પસંદ થાય તે માટેની કવાયત ચાલી રહી છે. તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજી યાદી બહાર પડશે. ત્યારબાદ ત્રીજી અને અંતિમ યાદી બહાર પાડવામાં આવશે
છેલ્લા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી લઈને કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ( rajiv gandhi bhavan) ખાતે બેઠકોનો દૂર ચાલી રહ્યો હતો, પરંતુ ટિકિટોની પસંદગીને આખરી ઓપ આપવા માટે કોંગ્રેસ અગ્રણી દ્વારા કોંગ્રેસ ભવન પાલડી ખાતે ઉમેદવારોની દાવેદારી માટે સમર્થકો સાથે ટોળાઓ ઉમટી પડ્યા હતા. જેને લઇને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રાતોરાત બેઠકનું સ્થળ બદલીને ફાર્મ હાઉસમાં બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર નજીક પ્રાંતિયા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ (rajiv satam) , અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અનેક સિનિયર આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં મહાનગરપાલિકાઓમાં ઉમેદવારની પસંદગી લઈને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૧લી ફેબ્રુઆરીએ (આજે) કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ ત્રણ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરશે. પહેલા તબક્કામાં જે બેઠક ઉપર સિંગલ નામ નક્કી થયા હશે, તેની યાદી બહાર પાડવામાં આવશે. ત્યારબાદ બીજી યાદીમાં ત્રણ પેનલ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર નક્કી કરી તેની યાદી બહાર પડાશે. જ્યારે ત્રીજી અને અંતિમ યાદીમાં જે બેઠક ઉપર ભારે કશ્મકશ તેમજ ઉમેદવારોની સંખ્યા વધુ હશે, તેમજ ખેંચતાણ જણાતી હશે, તેવી બેઠકો પરનીના ઉમેદવારોની પસંદગી કરી આખરી યાદી તૈયાર કરવામાં આવશે. કોગ્રેસના ટોચના સુત્રોએ વધુમાં કહ્યું હતું કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે દાવેદાર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં રજૂઆતો કરવા આવતા હોય છે. જેના પગલે પસંદગી પ્રક્રિયાની કામમાં વિક્ષેપ તથા વિલંબ ઉભો ન થાય તે માટે સ્થળ બદલવામાં આવ્યું હતું.