આણંદ : “કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે, હાંકલા પડકારા કરતાં હતાં, તે હવે ઠંડા પડી ગયાં છે. ઠંડી તાકાતથી ગામે ગામે ગોઠવણી કરી રહ્યા છે. આપણે જ જીતશું તેવા ભ્રમમાં ન રહેતાં. કોંગ્રેસ બેઠી તાકાતથી નીચેથી ઘુસવાની કોશીષ કરી રહી છે.’ તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાનગર ખાતે સોમવારના રોજ જનવિશ્વાસ સંમેલનમાં ટકોર કરી હતી.
વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા જનવિશ્વાસ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 વર્ષના વિકાસની રૂપરેખા આપી હતી. સાથોસાથ કોંગ્રેસને પણ શાબ્દીક ચાબખા માર્યાં હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની જાહેર સભા કે કોન્ફરન્સ થતી નથી. કોઇ નિવેદન બહાર આવતાં નથી. જેથી તે નવી ચાલ ચાલી રહી છે. ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણી કરી રહ્યા છે. બેઠી તાકાતથી લડત શરૂ કરી છે.ખાટલા બેઠક કરી રહ્યાં છે. આથી, કોઇએ ભ્રમમાં ન રહેવું. આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનીત કરવાનો મોકો નથી છોડતી. સંકટને સતર્કમાં માત કરી દેશો. કોંગ્રેસની સાજીસ નાકામ કરવાની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનની શરૂઆતમાં જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રી બન્યો તે સમયે મને વહીવટનો અનુભવ નહોતો. સદભાગ્ય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પંચાયતથી એસેમ્બલીનો 25 વર્ષનો અનુભવ ધરાવે છે. ક્યારેય કટુ વાણી નીકળી નથી, તેમના વ્યવહાર પર પણ આંગળી ચીંધી નથી શકાતી. સરદાર પટેલને યાદ કરતાં ઉમેર્યું હતું કે, સરદાર સાહેબના પદચિહ્ન પર ચાલી રહ્યા છીએ. સરદાર પટેલે દેશના એકીકરણનું કામ કર્યું, રાજા રજવાડાને સમજાવ્યાં. એક કાશ્મીર બીજા ભાઈએ માથે લીધું. આખરે કાશ્મીરની સમસ્યા પુરી કરી સરદાર પટેલનું એ સ્વપ્ન પણ પુરૂ કરી શ્રદ્ધાંજલી આપી હતી. ગુજરાત અને ભાજપને અતૂટ નાતો છે. ગુજરાતની વાત આવે તો ભાજપ યાદ આવે અને ભાજપની વાત આવે તો ગુજરાતની યાદ આવે. આ સંબંધ દિલનો છે. પોતીકા પણું છે.
કોંગ્રેસ પર ચાબકાં ઉમેર્યું હતું કે, અગાઉની સરકારે ડેમ બનાવ્યો, પરંતુ પાણી માટે કેનાલ નહોતી બનાવી. ભાજપ સરકારે નહેર બનાવી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. જેના કારણે દસ ટકા પ્રગતિ કરી છે. પાણી, વિજળીની સમસ્યા હલ કરી છે. સરદાર સરોવર ડેમના આડે અર્બન નકસલીઓએ રોડા નાંખી સ્વપ્ન ચુંથી નાંખ્યું હતું. પ્રજાના પૈસે કોર્ટમાં લડી ડેમનું સ્વપ્ન પુરુ કર્યું હતું. કોંગ્રેસને એ પ્રશ્ન પુછવો જોઈએ કે સરદાર પટેલનું સ્ટેચ્યુ બન્યું છે, તમે કોંગ્રેસવાળા ત્યાં ગયાં છો ખરાં ? ઉદારતા બતાવો. માથું નમાવો.
આ સભામાં પ્રધાનમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, કેન્દ્રિય સંચાલન રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી સી.પી. રવિ, કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, અગ્રણીઓ, પદાધિકારીઓ વિગેરે હાજર રહ્યાં હતાં. આ પહેલા પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓની અટકાયતી પગલાં ભર્યાં હતાં.