વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વધુ એક વખત સયાજીગંજ સરદાર પ્રતિમા પાસે મોંઘવારીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત 10 ની અટકાયત કરી હતી. છેલ્લાં આઠ વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજા વિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.કોંગ્રેસ પક્ષ સતત છેલ્લાં કેટલાંય સમયથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે.મોંઘવારી સામેની આ લડાઈને આગળ વધારવા કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં “મોંઘવારી પર હલ્લાબોલ કાર્યકમ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ,સરદાર પટેલ ની પ્રતિમા પાસે હલ્લા બોલના કાર્યક્રમ યોજ્યો હતો.
જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત કાઉન્સિલર સહિત કાર્યકર્તાઓએ હાજર રહી બેનરો પોસ્ટરો સાથે ઉગ્ર સૂત્રોચારો કર્યા હતા.જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયા હતા.ધરણાં પ્રદર્શન કાર્યક્રમને લઈને પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના હોદ્દેદારોએ સરકાર મોંઘવારી ઘટાડવાનો પોતાના ફાયદાનો તાત્કાલિક અમલ કરે સાથે જ રોજગારને લઈને યુવાનોને કરેલા વાયદા નિભાવે, બેરોજગારો માટે રોજગારની વ્યવસ્થા કરે અન્યથા આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.