Columns

પ્રિયંકા ગાંધીને વાયનાડથી ટિકિટ આપીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે

ભારતને ૧૯૪૭માં આઝાદી મળી ત્યારથી લઈને આજ દિન સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું વ્યક્તિત્વ, અસ્તિત્વ અને સત્તા ટકાવી રાખવા માટે નેહરુ-ગાંધી પરિવારના શરણે રહી છે. પહેલાં પંડિત નેહરુ, પછી ઈન્દિરા ગાંધી, પછી રાજીવ ગાંધી, પછી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધીમાં તેમને પોતાના તરણતારણહાર દેખાય છે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પણ કોંગ્રેસ પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથમાં રહ્યું છે. આજની તારીખમાં પણ સોનિયા અને રાહુલના કરિશ્મા વગર કોંગ્રેસને લોકો મત આપે તેવું ભાગ્યે જ બને છે.

હવે સોનિયા અને રાહુલ પછી મહાસચિવ પ્રિયંકા ગાંધીને પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઊતારીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તેમણે ૨૩ ઓક્ટોબરે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. નોમિનેશન ફાઈલ કરતાં પહેલાં તેમણે રોડ શો કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે હું છેલ્લાં ૩૫ વર્ષથી કોંગ્રેસ માટે પ્રચાર કરી રહી છું, પરંતુ હું પહેલી વાર પોતાના માટે વોટ માંગી રહી છું. પોતાની બહેન માટે પ્રચાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડમાં હવે બે સાંસદો છે, એક ઔપચારિક અને એક અનૌપચારિક. આ બેઠક અગાઉ તેમના ભાઈ રાહુલ ગાંધી પાસે હતી. તેઓ લોકસભાની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. વાયનાડ અને રાયબરેલી.

રાયબરેલી પણ ગાંધીપરિવારની જાગીર જેવી બેઠક છે. કોઈ સમયે ત્યાંથી ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી ચૂંટાઈને સંસદમાં જતાં હતાં. વાયનાડ બેઠક પણ ગાંધી પરિવારની જાગીર બની ગઈ છે. હવે પાર્ટીએ પ્રિયંકા ગાંધીના ચૂંટણીમાં પદાર્પણ માટે વાયનાડ બેઠક પસંદ કરી છે. જો પ્રિયંકા ગાંધી વાયનાડથી જીતશે તો ગાંધી પરિવારના ત્રણેય વર્તમાન સભ્યો સાંસદ બનશે. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય છે જ્યારે તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભામાં છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી જીત્યા બાદ લોકસભાનાં સભ્ય બનશે. જો પ્રિયંકા ગાંધી પણ લોકસભામાં પહોંચે તો તેઓ પોતાના ભાઈ સાથે મળીને મોદી સરકારને વધુ સારી રીતે ઘેરી શકે છે. વાયનાડ તેમના માટે સરળ બેઠક સાબિત થઈ શકે છે, કારણ કે રાહુલ ગાંધી અહીં ખૂબ જ લોકપ્રિય સાબિત થયા છે.

મોરનાં ઇંડાંને ચિતરવાં ન પડે તેમ નેહરુ-ગાંધી પરિવારને રાજકારણના પાઠ ભણાવવા પડતા નથી. તેઓ ગળથૂથીમાંથી જ રાજકારણના દાવપેચ શીખી જતા હોય છે. પ્રિયંકા ગાંધી લાંબા સમયથી કોંગ્રેસના રાજકારણમાં પડદા પાછળ સક્રિય છે. તેઓ ૧૯૯૦ ના દાયકાના અંતથી તેમની માતા સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળી રહ્યાં છે. આ સિવાય ૨૦૦૪માં જ્યારે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમના માટે જોરશોરથી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું.

રાજકારણમાં તેમનો પ્રથમ સત્તાવાર પ્રવેશ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં હતો, જ્યારે તેમને પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારનાં પ્રભારી બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી અને પ્રિયંકા ગાંધીનો ધબડકો થયો હતો. ૨૦૧૯માં જ્યારે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનાં મહાસચિવ બનાવવામાં આવ્યાં હતાં, ત્યારે એવી ચર્ચા હતી કે તેઓ તેમની માતાની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. તેમને ચૂંટણીમાં ઊભાં રહેવાની વિનંતી કરતાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ તેમને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યાં ન હતાં.

પ્રિયંકા ગાંધીને ભારતીય મતદારોના એક વર્ગ દ્વારા પસંદ કરવામાં આવ્યાં છે. લોકોને પ્રિયંકામાં તેમનાં દાદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ઝલક જોવા મળે છે. તેઓ માને છે કે તે ઈન્દિરા ગાંધી જેવી મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી મહિલા છે અને ભારતીય રાજકારણના પડકારોનો સારી રીતે સામનો કરી શકે છે. રાહુલ ગાંધીથી વિપરીત, પ્રિયંકા ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીનાં રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતાં હતાં. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા તેના પિતાના અંતિમ સંસ્કાર વખતે પણ લોકોને આશા હતી કે પ્રિયંકા કોંગ્રેસનાં નવાં નેતા બનશે, પરંતુ ત્યારે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો ન હતો.

પિતાના અવસાન પછી પ્રિયંકા ગાંધી પહેલી વાર જાહેરમાં જોવા મળી હતી જ્યારે તે બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કરી રહી હતી. ૧૯૯૦ ના દાયકાના અંતમાં જ્યારે કોંગ્રેસ નેતૃત્વના પ્રશ્ન પર સંઘર્ષ કરી રહી હતી અને સોનિયા ગાંધીએ રાજકારણમાં ન આવવાનો નિર્ણય લીધો હતો, ત્યારે તે પ્રિયંકા ગાંધીએ પડદા પાછળની પરિસ્થિતિને સંભાળી હતી. આ પછી તે પોતાની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધીને રાજકારણમાં આગળ વધવામાં મદદ કરી હતી. જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો અભિયાન દરમિયાન લાંબી યાત્રાઓ કરી ત્યારે તે સતત તેમની સાથે રહી હતી. ૨૦૧૯ અને ૨૦૨૪ વચ્ચે લોકોએ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા ભજવતાં જોયાં ત્યારથી તેમને ચૂંટણીના મેદાનમાં ઊતારવાની માગણી થઈ રહી હતી, જે હવે છેવટે પૂરી થઈ રહી છે.

પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કરવા માટે આટલી બધી રાહ જોઈ તેનું કારણ કદાચ તેમના પતિ રોબર્ટ વાડ્રાનો ખરડાયેલો ભૂતકાળ અને તેમના શંકાસ્પદ આર્થિક વહેવારો છે. તાજેતરનાં વર્ષોમાં પ્રિયંકા ગાંધીના પરિવારના સભ્યો પર પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. તપાસ એજન્સીઓએ તેમના પતિ રોબર્ટ વાડ્રા પર મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો હતો. આરોપ છે કે રોબર્ટ વાડ્રાની કંપનીએ ઘણી જમીનો ગેરકાયદેસર રીતે ખરીદી છે.

આ માટે સીબીઆઈ દ્વારા કેસો પણ કરવામાં આવ્યા હતા, પણ સરકાર વાડ્રાની ધરપકડ કરવાથી દૂર રહી હતી. ભાજપ દ્વારા વાડ્રાના મુદ્દાનો ઉપયોગ ગાંધીપરિવારને બદનામ કરવા માટે કરવામાં આવતો હતો, પણ વાડ્રાની કદી ધરપકડ કરવામાં આવી નથી. ભાજપને કદાચ ડર હતો કે વાડ્રાની ધરપકડ કરવામાં આવશે તો પ્રિયંકા ગાંધીને તેના માટે સહાનુભૂતિનો લાભ મળશે. રોબર્ટ વાડ્રાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસે પણ આ આરોપોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે આ આરોપો ગાંધી પરિવારની છબી ખરાબ કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે.

વાયનાડ સીટ પર ૧૩ નવેમ્બરે મતદાન થશે. મતગણતરી ૨૩ નવેમ્બરે થશે. પ્રિયંકા ગાંધીની ઉમેદવારીનું સમર્થન કરતાં રાહુલ ગાંધીએ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે વાયનાડનાં લોકો મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. હું તેમના પ્રતિનિધિ તરીકે મારી બહેન કરતાં વધુ સારા ઉમેદવારની કલ્પના કરી શકતો નથી. મને આશા છે કે તે વાયનાડની જરૂરિયાતો માટે પૂરા દિલથી કામ કરશે અને સંસદમાં મજબૂત અવાજ તરીકે ઉભરી આવશે.

વાયનાડના મતદારોને અપીલ કરતાં પ્રિયંકા ગાંધીએ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ૧૯૮૯માં ૧૭ વર્ષની ઉંમરે મેં પહેલી વાર મારા પિતા માટે પ્રચાર કર્યો હતો. આ ઘટનાને ૩૫ વર્ષ થઈ ગયાં છે. આ સમય દરમિયાન મેં મારી માતા, ભાઈ અને મારાં ઘણાં સાથીદારો માટે વિવિધ ચૂંટણીઓમાં પ્રચાર કર્યો છે, પરંતુ આ પહેલી વાર છે, જ્યારે હું મારા માટે પ્રચાર કરી રહી છું. મને UDF ઉમેદવાર બનવાની તક આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીની હું ખૂબ ખૂબ આભારી છું.

વાયનાડથી પાર્ટીના ઉમેદવાર બનવામાં મારા પરિવારના સમર્થન માટે પણ હું આભારી છું. જો તમે મને તમારો પ્રતિનિધિ બનાવો તો તે મારા માટે સન્માનની વાત હશે. જો પ્રિયંકા ગાંધી વાયનાડથી જીતીને લોકસભામાં પ્રવેશ કરશે તો તે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનારા ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓનો આત્મવિશ્વાસ વધારશે. બીજી તરફ પ્રિયંકા ગાંધી પણ સંસદમાં પોતાની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવીને મોદી સરકાર પર દબાણ લાવવા માટે વધુ સારી રણનીતિ બનાવી શકે છે.
–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top