Charchapatra

કોંગ્રેસમુકત ભારત

આપણા દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણા દેશને કોંગ્રેસમુકત કરવો છે. શું કામ? કારણ તેમને ખબર છે કે આખા દેશમાં માત્ર બે જ રાષ્ટ્રીય પક્ષો છે. એક ભાજપ અને બીજો કોંગ્રેસ. બાકીના બધા પ્રાદેશિક પક્ષો છે. આપણો દેશ એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું ખૂબ જ જરૂરી છે કે જે સરકારનાં સારાં કામોને બિરદાવે અને ખોટાં કામોનો મક્કમતાથી પ્રજાહિતમાં વિરોધ કરે. હવે જ્યારે વડા પ્રધાનનું ધ્યેય મુખ્ય રાષ્ટ્રીય પક્ષને જ નાબૂદ કરવાનું હોય તો એનો અર્થ એવો થાય કે તેવું થયા પછી તેમની સરકાર પોતાની મનમાની કરી શકે જે દેશહિતની બિલકુલ વિરુધ્ધ ગણાય.

કમનસીબે જે બીજો રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ છે તે પોતાના અનિર્ણયો થકી નાબૂદ થવા જઈ રહ્યો છે અને વડા પ્રધાનને એ જ જોઈએ છે. પ્રાદેશિક પક્ષો કયારેય મજબૂત વિરોધ પક્ષનું સ્થાન લઈ શકવાના નથી અને તેથી સરકારના ખોટા નિર્ણયોનો મક્કમતાથી વિરોધ કરવા માટે અત્યંત મજબૂત વિરોધ પક્ષની આપણા દેશને તાતી જરૂર છે, જે હાલના સંજોગોમાં તો શક્ય બને એવું લાગતું નથી. પરિણામે જે સરકારને મજબૂત વિરોધ પક્ષનો સામનો કરવાનો ન હોય તેના પ્રજાહિત વિરુદ્ધના નિર્ણયોનો પ્રજાએ ભોગ બનવું પડે એ નિર્વિવાદ હકીકત ગણાવી જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પડઘો: અવાજનો પ્રતિનાદ…
કોઇ મંદિરમાં જાવ અને મોટા અવાજે મંત્ર બોલો તો સામે પડઘો સંભળાય છે, ખંડેરમાં જઇને બૂમ પાડો તો પડઘો સંભળાય, આમ પડઘો એટલે પ્રતિનાદ કહેવાય છે. પડઘાના અનેક પ્રકાર છે. જીવનમાં પણ એવા સત્કર્મો કરો કે તમો હયાત ના હોય તો પણ લોકો યાદ કરે, સુકર્મો એ સજ્જનતાનું પ્રતિક છે જયારે કુકર્મો એ દુર્જનતાની નિશાની છે. આથી સુકર્મો કરીને લોકોના દિલમાં ચિરંજીવી બની જાવ, નારેશ્વર જાવ તો દરેક ઠેકાણે પ.પૂ. રંગ અવધુતજીનો ‘નારેશ્વરનો નાદ’ સાંભળવા મળશે, આબધો શ્રધ્ધનો વિષય છે. જેને પુરાવાની કોઇ જરૂર નથી. ‘પડઘા’ની વ્યાખ્યા આપતા કવિ ગઝલકાર સ્વ. ગની દહીંવાળાએ સરસ લખ્યું છે, ‘જિંદગીનો એજ સાચો પડઘો છે, ગની હોય નહીં વ્યકિત, અને નામ બોલાયા કરે’ આમ પડઘો એટલે પ્રતિઘોષ રૂપે છે.
તરસાડા         – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top