અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ કોંગ્રેસ (Congress) દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગીને લઈને પણ આ વખતે કોંગ્રેસ (Congress) દ્વારા આગોતરું આયોજન હાથ ધર્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી 10મી ઓક્ટોબર સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે.
પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં છે. 5મી ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત દરમિયાન મળેલી બેઠકમાં નક્કી કરાયેલા આયોજન મુજબ કોંગ્રેસ દ્વારા જીતી શકે તેવા તથા સ્વચ્છ અને લોકો વચ્ચે રહેનારા ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુદા જુદા લેવલો ઉપર ઉમેદવારોને લઈ સર્વે કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાથી લઈ હાઈકમાન્ડ સુધીના તમામ સર્વેને ધ્યાનમાં રાખી સર્વસ્વીકૃત ઉમેદવારને પસંદ કરવામાં આવશે.
કઈ યાદી ક્યારે જાહેર કરવી તેમાં કોના નામનો સમાવેશ કરવો તે હાલના તબક્કે જાહેર કરી શકાય નહીં, આ એક ચૂંટણી રણનીતિનો ભાગ છે. સમય સમય ઉપર તેની જાહેરાતો કરવામાં આવશે. હાલના સીટિંગ ધારાસભ્યોને ટિકિટ મળશે કે કેમ ? તે અંગે રઘુ શર્માએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી, ટિકિટની પસંદગી માટે જીતી શકે તેવા ઉમેદવારોની પ્રાથમિકતા તમામ રાજકીય પક્ષો માટે અગ્રસ્થાને હોય છે. સીટિંગ ધારાસભ્યો છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહ્યા છે, અને કરતાં આવ્યા છે, અને હંમેશા પ્રજા વચ્ચે જ રહેતા હોય છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામની યાદીને લઈ કોંગ્રેસ તૈયારીઓમાં લાગી ગયું છે. જે વ્યક્તિઓએ આગેવાનોએ ઉમેદવારી કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને અરજી, બાયોડેટા રજૂ કર્યા છે. તેઓને સાંભળવાની કામગીરી આવતીકાલથી શરૂ થશે. દરેક ઝોનલ ઇન્ચાર્જ દ્વારા બાયોડેટા રજૂ કરનારને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા લગભગ ચાર દિવસ સુધી ચાલશે, ત્યારબાદ તેની આગળની પ્રક્રિયા શરૂ કરાશે.