સુરત : કોઇ પણ ચૂંટણી (Election) હોય તેમાં કોંગ્રેસમાં (Congress) નવાજૂની નહી થાય તો જ નવાઈ હોય છે. દર વખતે ચૂંટણીમાં કોંગ્રેસમાં પૈસાની બુમરાણો ઉઠે છે. અનેક વખત એવું બન્યું છે કે, ઉમેદવાર માટે પૈસા (Money) મોકલવામાં આવ્યો હોય અને તે નાણાંમાંથી થોડીક રકમ કાઢી લેવામાં આવી હોય. આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસની આ માથાકૂટ બહાર આવી છે. કોંગ્રેસના ત્રણેક ઉમેદવારો દ્વારા તેમને મળેલા નાણાંમાં અઢીથી ત્રણ લાખ જેટલી રકમ ઓછી આવી હોવાની ફરિયાદો સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈને કરવામાં આવી છે. જેને પગલે હસમુખ દેસાઈએ પ્રદેશના નેતાઓને આ અંગે ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
- બાર બેઠક પૈકી કેટલીક બેઠકના ઉમેદવારો દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરાતા પ્રમુખ દ્વારા પ્રદેશમાં જાણ કરાઈ
- ફરિયાદને પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો
- કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે, આવી ફરિયાદો મળી છે પરંતુ એવું પણ થયું હોઈ શકે કે નાણાં ગણતી વખતે ઓછી રકમ આવી ગઈ હોય પરંતુ આ ફરિયાદને પગલે તેમણે પ્રદેશના નેતાઓનું ધ્યાન દોર્યું
કોંગ્રેસમાં ભૂતકાળમાં એવું થયું છે કે, ઉમેદવારોને મળેલા નાણાંમાંથી તેમના ગોડફાધરો દ્વારા થોડાક નાણાં લઈ લેવામાં આવ્યા છે. આ અંગે જોકે, જે તે સમયે ગણગણાટ બહાર આવ્યો નથી પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને પૂરતા નાણાં આપવામાં આવ્યા નથી. તેમાં પણ જે થોડી રકમ મોકલવામાં આવી તેમાંથી પણ કટકી કરી લેવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખને એવી ફરિયાદ કરવામાં આવી હતી કે તેમને મળેલા નાણાંમાંથી બેથી ત્રણ લાખ રૂપિયા ઓછા છે. આ ફરિયાદને પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે, આવી ફરિયાદો મળી છે પરંતુ એવું પણ થયું હોઈ શકે કે નાણાં ગણતી વખતે ઓછી રકમ આવી ગઈ હોય પરંતુ આ ફરિયાદને પગલે તેમણે પ્રદેશના નેતાઓનું ધ્યાન દોર્યું છે.