ગાંધીનગર: નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસના (Congress) ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જવાની સંભાવના છે. આગામી તા.૨૬ અને ૨૭મી ઓકટો.ના રોજ કોગ્રેસની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની પહેલી યાદીને લીલી ઝંડી આપી દેવાશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર નવી દિલ્હી જવા રવાના થશે. નવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળશે.
કોંગ્રેસની નેતાગીરી હવે એકશન મોડમાં છે એટલું જ નહીં, સ્ક્રીનિંગ કમિટીએ ઉમેદવારોની યાદી પર ચર્ચા કરી લીધી છે. તેને હવે ઈલેકશન કમિટીની બેઠકમાં મંજૂરીની મ્હોર મારવામાં આવનાર છે. જયાં સિંગલ ઉમેદવાર છે તેવી બેઠકોના ઉમેદવારો પહેલી યાદીમાં જાહેર થશે. તા.૨૫મી ઓકટો.ના રોજ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર નવી દિલ્હી જઈ રહ્યા છે, એટલું જ નહીં ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરવા કેન્દ્રિય નેતાગીરી સાથે ચર્ચા પણ કરશે. તે પછી બે દિવસ માટે કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળશે. પહેલી યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામો જાહેર થાય તેવી સંભાવના નહીંવત છે, જયારે વર્તમાન ૬૨ પૈકી કેટલાંક ધારાસભ્યોને પડતા મૂકીને તેમના સ્થાને નવા તથા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની પંસદગી થાય તેવી પણ સંભાવના છે.