નવી દિલ્હીઃ (New Delhi) રાજસ્થાન કોંગ્રેસમાં (Rajasthan Congress) ચાલી રહેલા સંકટનો ઉકેલ 10 જનપથથી જ બહાર આવશે. અત્યાર સુધીના સંકેતો આની સાક્ષી આપી રહ્યા છે. જયપુરમાં ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની ટક્કર વચ્ચે ફાઇનલ મેચનું પરિણામ દિલ્હીમાં જાહેર થશે. સીએમ અશોક ગેહલોત બુધવારે કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા પહોંચ્યા જ્યારે પાયલટ મંગળવારથી દિલ્હીમાં હાજર છે. આ સમાચાર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષના ઉમેદવારોને લઈ વધુ એક સમાચાર સામે આવ્યા છે. હવે કોંગ્રેસ અધ્યક્ષના ઉમેદવારોની રેસમાં નામોની યાદી મોટી થતી જાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે.
- હવે કોંગ્રેસ અધ્યક્ષના ઉમેદવારોની રેસમાં નામોની યાદી મોટી થતી જાય છે
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે
- શશિ થરૂરની ઉમેદવારી પણ મજબૂત માનવામાં આવી રહી છે
- ચૂંટણી માટેના તમામ ઉમેદવારો 30 સપ્ટેમ્બરના રોજ જ ઉમેદવારી નોંધાવી શકશે
કોણ બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી? જો ગેહલોતને રાજ્યમાં રાખવામાં આવે તો દિલ્હીમાં કોંગ્રેસની જવાબદારી કોને સોંપવી? પાયલોટનું શું થશે? આ તમામ સવાલોના જવાબ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી આપી શકે છે. તે રાજસ્થાનમાં રાજકીય સંકટ અંગે સતત અપડેટ લઈ રહ્યાં છે. સોનિયા તરફથી પાયલોટને મળવાનો હજી સમય અપાયો નથી. પાયલોટ રાજસ્થાનના નિરીક્ષકો અજય માકન અને મલિકાર્જુન ખડગેને પણ મળે તેવી અપેક્ષા છે.
બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી રસપ્રદ બની છે. શશિ થરૂર બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ આ રેસમાં જોડાયા છે. હાલમાં દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લઈ રહ્યા હતા. હવે તે આજે રાત્રે દિલ્હી પરત આવી જશે. પછી આવતીકાલે તેઓ નોમિનેશન ફાઈલ કરી શકે છે. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પણ મજબૂત માનવામાં આવી રહી છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાના છે. ચૂંટણી માટેના તમામ ઉમેદવારો 30 સપ્ટેમ્બરના રોજ જ ઉમેદવારી નોંધાવી શકશે. કારણકે ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર મધુસૂદન મિસ્ત્રી આવતીકાલે દિલ્હીમાં નહીં હોય.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં ઉભરી રહ્યા છે. કોંગ્રેસના કોષાધ્યક્ષ પવન કુમાર બંસલે પણ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણીનું ફોર્મ લીધું છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે બંસલે આ ફોર્મ પોતાના માટે લીધું છે કે અન્ય કોઈ માટે. કુમાર સેલજાનું નામ પણ વિચારણા હેઠળ છે. બીજી તરફ રાહુલની પસંદગી કે.સી. વેણુગોપાલ માનવામાં આવે છે.
દિગ્વિજય સિંહ સક્ષમ નેતા
દિગ્વિજય પાસે બહોળો સંસ્થાકીય અને વહીવટી અનુભવ છે. તેઓ બે વખત મધ્યપ્રદેશના સીએમ રહી ચૂક્યા છે. તેમની ગણતરી ગાંધી પરિવારના વફાદારોમાં થાય છે. કોંગ્રેસ અત્યારે સંઘ અને તેમના હિન્દુત્વ સામે અવાજ ઉઠાવી રહી છે. દિગ્વિજય સિંહ પણ ઘણા સમયથી આની સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
રાજસ્થાનમાં રાજકીય ગરમાવા અંગે કોંગ્રેસના નિરીક્ષકોએ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ક્લીનચીટ આપવામાં આવી છે, પરંતુ ગેહલોત સરકારના બે મંત્રીઓ પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને શાંતિલાલ ધારીવાલ સહિત ચીફ વીપી મહેશ જોશી પર શિસ્તભંગની કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. અન્ય કેટલાક નેતાઓ પર પણ ટિપ્પણી કરવામાં આવી છે.