પલસાણા: કડોદરા (kadodara) નગરપાલિકાના કોંગ્રેસમાંથી (congress) ચુંટાયેલા એકમાત્ર સભ્ય ગતરોજ વાજતેગાજતે જોડાયા બાદ સાંજે સી.આર.પાટીલે (C.R.Patil) ભાજપમાં (BJP) લેવાની ના પાડતાં ના ઘરના ના ઘાટના જોવા મળ્યા હતા. અને કડોદરા નગરમાં આ મુદ્દા ભારે હાસ્યાપદ બન્યો હતો.
કડોદરા નગર પાલિકામાં કોંગ્રેસની બેઠક ઉપરથી ચુંટાયેલા સભ્ય સંજય શર્માને ગતરોજ કડોદરા નગર ભાજપના પ્રમુખ શૈલેષ શ્રીવાસ્તવ વાજતેગાજતે નગર પાલિકાના ઉપપ્રમુખ સંતોષ યાદવ બાંધકામ સમિતિના ચેરમેન ધનંજય ઝા તેમજ ભાજપના સંગઠનના લોકો મોટી સંખ્યામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઓફિસે પહોંચી સંજય શર્માને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ વાતની જાણ જિલ્લા સંગઠનને થતાં તેમના દ્વારા સી.આર.પાટીલનું ધ્યાન દોરી જણાવાયું હતું કે, સંજય શર્માએ અગાઉ સરકારની વિરુદ્ધમાં જાહેરમાં ટિપ્પણી ઉચ્ચારી હતી. જે સંદર્ભે સંજય શર્માને ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
આ બાબતનું સી.આર.પાટીલનું સંગઠને ધ્યાન દોરતાં સી.આર.પાટીલે નગર પાલિકા સંગઠન પ્રમુખને ટેલિફોનીક કહ્યું હતું કે, સંજય શર્માને આપણે ભાજપમાં લેવાનો નથી. આ વાત સાંભળી શૈલેષ શ્રીવાસ્તવના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. આ વાત કડોદરા નગરમાં પ્રસરતાં નગરસેવક સંજય શર્મા સવારે ભાજપમાં જોડાયા પછી સાંજે પાછા તેમને ભાજપમાં નહીં લેવાનું ફરમાન આવતાં ના ઘરના ના ઘાટના જેવા મળ્યા હતા. આ મુદ્દે કડોદરાનગરમાં ભારે હાસ્ય ફેલાયું હતું.
મુજે કીસીને નહીં બોલા કી આપ ભાજપમેં નહીં હો
આ મુદ્દે સંજય શર્માએ કહ્યું હતું કે, મુજે કીસી ભાજપ કે નેતાને નહીં બોલા કી આપ ભાજપમેં નહીં હો. પ્રદેશ પ્રમુખને ખેસ પહેનાયા, મતલબ મેં ભાજપમેં હી હું.
ટેલિફોનીક સૂચના મળી કે સંજય શર્માને હાલ ભાજપમાં લેવાનો નથી-નગર સંગઠન પ્રમુખ
કડોદરા નગર સંગઠન પ્રમુખ શૈલેષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સવારે મારી આગેવાનીમાં સંજય શર્માને ભાજપમાં જોડ્યા હતા. પરંતુ સાંજે સી.આર.પાટીલ દ્વારા ઇનકાર કરાતાં હાલ આ મુદ્દે કંઇ કહેવું બરાબર નથી.
સંજય શર્માને કોંગ્રેસે પણ સસ્પેન્ડ કર્યા
કડોદરા નગર કોંગ્રેસના નગરસેવક ગતરોજ ભાજપમાં જોડાઇ ગયા હતા. ત્યારબાદ ભાજપે તેમને લેવાની ના પાડતાં બીજી તરફ કોંગ્રેસે પણ તેમને સસ્પેન્ડ કર્યા હતા. નગર કોંગ્રેસ પ્રમુખ ઉમેશ સિંગ દ્વારા સંજય શર્માને સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું.