બારડોલી: (Bardoli) બારડોલી તાલુકા પંચાયતની ખોજ બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. આઝાદી પછી પ્રથમ વખત ખોજ બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Election) આજે ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારો તેમજ સમર્થકોની અવરજવર વધી ગઈ હતી. કઈ બેઠક પરથી કોણે ફોર્મ પરત ખેંચ્યું તે અંગેની પૃચ્છા કરતાં લોકો નજરે પડ્યા હતા.
બારડોલી તાલુકા પંચાયતની કોંગ્રેસની કન્ફર્મ ગણાતી બેઠક પર ભાજપ ગાબડું પાડવામાં સફળ રહી હતી. તાલુકાની ખોજ બેઠક પર કોંગ્રેસની ઉમેદવાર સિતાબેન નરેશભાઈ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આથી સામે એક માત્ર ભાજપની ઉમેદવાર વૈશાલીબેન જિગ્નેશભાઈ પટેલ જ હોય તેને બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. ખોજ બેઠક આઝાદી બાદ પહેલી વખત ભાજપના ફાળે ગઈ છે અને તે પણ બિનહરીફ જાહેર થતાં ભાજપા કાર્યકરોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. તેમ છતાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે.
અંકલેશ્વર પાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો માટે 101 ઉમેદવારો વચ્ચે જંગ
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 6 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે 36 બેઠકો માટે 101 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની ચૂંટણી માટે 112 ઉમેદવારીપત્રક ભરાયા હતા. જે પૈકી ચકાસણીના દિવસે 5 ફોર્મ રદ થયા હતા. ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ તારીખ 16 ફેબ્રુઆરી હતી. આ દિવસે વોર્ડ નંબર 8માંથી 5 ઉમેદવારોએ અને વોર્ડ નંબર 5 માંથી 1 ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લઇને ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું. હવે 36 બેઠકો માટે 101 ઉમેદવારો મેદાને જંગમાં છે.
ઉમેદવારીપત્રો ખેંચવાનાં છેલ્લા દિવસે ચાંપતો પોલીસ બંદોબસ્ત
મોસાલી : માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં મતદાન થનાર છે. ત્યારે આ અંગેની ચૂંટણી અંગેની પ્રક્રિયા પૂર્ણતાનાં આડે પહોચી છે. આજે તારીખ 16નાં ઉમેદવારીપત્રો ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી, આજે માંગરોળ તાલુકા ખાતે બે કચેરીઓમાં ઉમેદવારીપત્રો ભરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેનાં પગલે આ બંને ઇમારતોના પ્રવેશદ્વાર ઉપર સવારથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.