અમદાવાદ: દેશમાં ભાજપ (BJP) સરકારની મધ્યમ અને ગરીબ વર્ગ વિરોધી નીતિ રીતે અને ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાની નીતિને કારણે દેશમાં ગંભીર આર્થિક કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સરકારી મિલકતો માનીતા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આપવામાં આવી રહી છે, તેમજ એલઆઈસી અને એસબીઆઇ જેવી જાહેર સંસ્થાઓને દબાણ કરી મિત્રની કંપનીઓમાં રોકાણ કરી મધ્યમ અને ગરીબ વર્ગના કરોડો રૂપિયા ડુબાડવાની નીતિ સામે તેમજ પ્રજાના પ્રશ્નને વાંચા આપવા કોંગ્રેસ દ્વારા આગામી ૧૩મી માર્ચે અમદાવાદમાં અહિંસક કુચ અને ધરણા યોજવામાં આવશે.
વિધાનસભામાં કોગ્રસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા ૪૦૦૦ કિમી લાંબી પદયાત્રા “ભારત જોડો યાત્રા”સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશમાં એકતા, ભાઈચારોનો સંદેશ બુલંદ કર્યો છે. હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ – મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે, એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે. રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા નેમ સાથે આગામી તારીખ ૧૩મી માર્ચ,૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૧૦ વાગે સરદાર બાગ, લાલદરવાજા, અમદાવાદ ખાતેથી રાજીવગાંધી ભવન, પાલડી, અમદાવાદ સુધીની શાંતિપૂર્વક અને અહિસંક રીતે જંગી કુચ-ધરણાંનો કાર્યકમ રાખવામાં આવ્યો છે.