Gujarat

કોંગ્રેસમાં આંતરિક જુથવાદ તેની ચરમસીમાએ છે : મહેન્દ્રસિંહ બારૈયા

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) સાબરકાંઠા કોંગ્રેસના (Congress) પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં (BJP) જોડાઈ ગયા હતા. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે મહેન્દ્રસિંહ બારૈયાને ભાજપનો કેસરી ખેસ પહેરાવીને તેમને ભાજપમાં સત્તાવાર પ્રવેશ આપ્યો હતો. છેલ્લા 25 વર્ષથી બારૈયા કોંગ્રેસમાં સક્રિય હતા. તેઓ અગાઉ સાબરકાંઠામાં પ્રાંતિજના કોંગીના ધારાસભ્ય પણ રહી ચૂકયા છે. આજે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. તેમની સાથે પ્રાંતિજ મત વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકરો તથા કેટલાંક ગામોના સરપંચો પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપમાં જોડાઈ ગયા બાદ મહેન્દ્રસિંહ બારૈયાએ કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં જુથવાદ તેની ચરમસીમાએ છે. મારી સતત અવગણના થતી હોવાના કારણોસર હું ભાજપમાં વિકાસની રાજનીતિ માટે જોડાયો છું. બારૈયાએ વધુમાં કહ્યું હતું કે, હું ભાજપમાં કોઈ શરત વગર જોડાયો છું. આવનારા સમયમાં ભાજપની નેતાગીરી જે જવાબદારી આપશે, તે હું નિભાવીશ.
અગાઉ સાબરકાંઠા જિલ્લામાંથી કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય અશ્વિન કોટવાલ તથા ભીલોડાના કોંગીના દિવંગત ધારાસભ્ય ડૉ અનીલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ ભાજપમાં જોડાઈ ગયા હતાં, હવે આજે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઝટકો લાગ્યો છે.

Most Popular

To Top