Gujarat

લોકોના અધિકારો માટે અને બંધારણ બચાવવા કોંગ્રેસ કટિબદ્ધ

ગાંધીનગર : સૌ કોંગ્રેસના (Congress) કાર્યકરોએ સંકલ્પ કર્યો છે કે તેઓ અધર્મ સામે ધર્મ, અસત્ય સામે સત્યનો સાથ લઇ લોકોના અધિકારો માટે, બંધારણ બચાવવા માટે કટિબદ્ધ રહેશે. આ સંકલ્પ અંબાજી (Ambaji) ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે કરવામાં આવ્યો હતો.

આજે વહેલી સવારે અમિત ચાવડાએ અને કાર્યકર્તાઓએ અંબાજી ગબ્બર પર અંબાજીમાંની જ્યોતના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુજી વાટિકા ખાતે સૌપ્રથમ ધજાનું પૂજન કર્યુ હતું આ ધજા પૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય તુષાર ચૌધરી, ભારતીય રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓઓ હાજર રહી ધજા પૂજન કરીને દેશ અને ગુજરાતની સુખાકારી માટે માં અંબેના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

રાજ્ય અને દેશની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી પ્રજાજનોના સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સલામતી માટે કાર્યરત રહેવાના સંકલ્પ સાથે જગત જનની “માઁ અંબે’” ના ચરણોમાં શીશ ઝુકાવી, વંદન – પ્રાર્થના સહ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ના સંકલ્પમાં સૌ કોંગ્રેસજનોએ સહભાગી બનીને માઁ અંબેના ધામ અંબાજી ખાતે ધ્વજારોહણ કર્યું.

આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે જગત જનની માં અંબેના સ્થાનકમાં ઘ્વજારોહણ કરી દેશ અને ગુજરાતની સુખાકારી અને સમૃદ્ધિ માટે માં અંબેના ચરણોમાં શિષ નમાવી પ્રાર્થના કરી છે. લોકોના હક અધિકાર માટે તથા અન્યાય સામે લડવા માટે માતાજી શક્તિ આપે અને જે લોકો દેશમાં લોકશાહી બચાવવા લડી રહ્યા છે તેમને માતાજી સામર્થ્ય આપે. આજે સૌ કોંગ્રેસના કાર્યકરોએ સંકલ્પ કર્યો છે કે તેઓ અધર્મ સામે ધર્મ, અસત્ય સામે સત્યનો સાથ લઇ લોકોના અધિકારો માટે, બંધારણ બચાવવા માટે કટિબદ્ધ રહશે.

Most Popular

To Top