કોંગ્રેસે (Congress) જ્યારથી ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરી છે ત્યારથી પાર્ટી અને તેના નેતાઓ પર ચારે બાજુથી પ્રહારો થઈ રહ્યા છે. હવે આ ક્રમમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) પણ આગળ આવ્યું છે. એનસીપીસીઆર (NCPCR)એ ચૂંટણી પંચને કહ્યું છે કે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં બાળકોનો કથિત રીતે રાજકીય સાધન તરીકે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. NCPCRએ આ મામલે પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ પર જરૂરી કાર્યવાહી અને તપાસની માંગ કરી છે.
- NCPCRએ ચૂંટણી પંચને કહ્યું છે કે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં બાળકોનો કથિત રીતે રાજકીય સાધન તરીકે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે
- તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે ‘ભારત જોડો, બાળકોને જોડો’ ના નારા હેઠળ બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
- કમિશને આરોપ લગાવ્યો કે આ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન છે. નિયમો જણાવે છે કે માત્ર વયસ્કો જ રાજકીય પક્ષનો ભાગ બની શકે છે
રાજકીય હેતુ માટે બાળકોને નિશાનો બનાવી રહ્યા છે
NCPCRએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી અને જવાહર બાલ મંચ રાજકીય હેતુઓથી બાળકોને નિશાન બનાવી રહ્યા છે અને તેમને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ કરી રહ્યાં છે. કમિશને કહ્યું કે ફરિયાદ મુજબ એવો આરોપ છે કે “સોશિયલ મીડિયા પર ઘણી હેરાન કરનારી તસવીરો અને વીડિયો છે જેમાં જોઈ શકાય છે કે ‘ભારત જોડો, બાળકોને જોડો’ ના નારા હેઠળ બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજકીય એજન્ડા સાથે બાળકોને આ અભિયાનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન
કમિશને આરોપ લગાવ્યો કે આ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન છે. નિયમો જણાવે છે કે માત્ર વયસ્કો જ રાજકીય પક્ષનો ભાગ બની શકે છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં પંચે કહ્યું હતું કે આ પ્રથમ દૃષ્ટિએ બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે. રાજકીય એજન્ડા પૂરો કરવાના માધ્યમ તરીકે બાળકોનો ઉપયોગ એ બાળ દુર્વ્યવહાર છે જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર લાંબા ગાળાની અસરો કરી શકે છે અને તે ભારતીય બંધારણની કલમ 21 ની વિરુદ્ધ છે.
NCPCRએ કરી કાર્યવાહીની માંગ
પત્રમાં લખવામાં આવ્યું છે કે કમિશન તમને વિનંતિ કરે છે કે તમે આ બાબતને ધ્યાન પર લો, ઘટનાક્રમની સંપૂર્ણ તપાસ કરો અને ફરિયાદમાં ઉલ્લેખિત રાજકીય પક્ષ અને તેના સભ્યો સામે જરૂરી પગલાં લો. કોંગ્રેસે ‘ભારત જોડો’ યાત્રા ગ્રાસરૂટ કનેક્ટિવિટી મજબૂત કરવાના એક ઉદ્દેશ્ય સાથે શરૂ કરી છે. 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રા પાંચ મહિનાના સમયગાળામાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું 3,570 કિલોમીટરનું અંતર કાપશે.