બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકામાં વર્ષોથી શાસનથી વંચિત રહેલી કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) મતદારોને આકર્ષવા વિવિધ વચનો સાથે એક સંકલ્પપત્ર જારી કર્યો છે. જેમાં શહેરને ફ્રી વાઈફાઈથી લઈ વિદ્યાર્થીઓ અને મહિલાઓને ફ્રીમાં સિટી બસ (City Bus) સેવા પૂરી પાડવાના વચનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ટી ફંડના નામે કોઈ પણ જાતનું ઉઘરાણું નહીં કરવાનું અને મુખ્ય રસ્તા પર મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા જેવા આકર્ષક વચનોથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવી રહ્યા છે. બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા પણ કેટલાક વચનો સાથે નગરપાલિકાની ચૂંટણી લડવા ઉતરી છે. છેલ્લા ઘણા વર્ષોથી બારડોલી નગરપાલિકામાં કોંગ્રેસ શાસનથી વંચિત રહી છે. ત્યારે મતદારોને આકર્ષવા માટે કે મહત્વનો સંકલ્પ પત્ર જારી કર્યો છે. મહિલાઓ, યુવાનો, નાના લારી ગલ્લા વાળાઓથી લઈ મોટા બિલ્ડરોને વચનો આપવામાં આવ્યા છે. વહીવટ, રસ્તા, ગટર સહિતની માળખાગત સુવિધાઓ, વીજળી અને પીવાના શુદ્ધ પાણી માટેના વચનો આપી કોંગ્રેસ દ્વારા મતદારોમાં વર્ષો પછી ફરી એક વખત છવાઈ જવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો છે. આ સંકલ્પપત્ર જારી કરતી વખતે તમામ 36 ઉમેદવારો શપથ લઈ વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી. પરંતુ આ વચનોથી કોંગ્રેસને ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે તે તો પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે.
કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનો
- ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક તથા નગરના હિતમાં નિર્ણયો કરવા
- પાર્ટીફંડના નામે કોઈ પણ જાતના નાણાં ઉઘરાવીશું નહીં
- બારડોલી નગરના વિકાસમાં આયોજન માટે દર ત્રણ મહિને એકવાર નગરની જનતા સાથે મિટિંગ
- બારડોલી નગરપાલિકાના પારદર્શક વહીવટ તથા કામને પ્રગતિ મળે તે હેતુથી એક મોબાઇલ એપ્લીકેશન
- મંજૂરીની અપેક્ષાએ લાખો રૂપિયાના કામો કરી કોન્ટ્રાકટર દ્વારા ખોટા બિલ મૂકી નગરપાલિકાની તિજોરીને નુકસાન ન થાય તે માટે પ્રથમ મંજૂરી અને વર્ક ઓર્ડર આપ્યા બાદ જ કામ કરવાની પદ્ધતિ દાખલ
- બારડોલી નગરપાલિકાના સહયોગથી જીવલેણ રોગની દવાર 10 ટકાથી 40 સુધી રાહત દરે મળે તેવું આયોજન
- સમગ્ર બારડોલી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કોન્ટ્રાકટર પાસે એન્જિનિયરના સુપરવિઝનમાં યોગ્ય ગુણવત્તા વાળું કામ
- નગરમાં મલ્ટીલેવલ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરીશું અને અડચણરૂપ પાર્કિંગ સમસ્યા દૂર કરીશું
- વિદ્યાર્થી તથા બહેનો માટે ફ્રી સિટી બસ સેવા
- નગરના જાહેર સ્થળો પર ફ્રી વાઈ-ફાઇ સુવિધા
- લારી ગલ્લા અને પાથરણા વાળા પાસેથી કોઈ પણ જાતનો સફાઈ વેરો લેવામાં નહીં આવે
- નગરમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અઠવાડીયા બે વાર દવા છંટકાવ
- 50 ચોરસમીટરથી ઓછા રહેણાંક મકાનોનો મિલકત વેરો નાબૂદ કરવાનો પ્રયત્ન કરીશું
- નગરના તમામ મિલકત ધારકોનો મિલકત વેરો 20 ટકા ઓછો કરવાનો પ્રયત્ન
- નગરપાલિકા વિસ્તારમાં વીજપોલનું અંતર ઘટાડી જરૂર પ્રમાણે અજવાળું રહે તેવું આયોજન
- નગરની દરેક શેરી ગલીઓમાં સ્ટ્રીટ લાઇટ તથા લો મસ્ટ ટાવરોનું આયોજન
- સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં પીવા માટે મિનરલ વોટરની સુવિધા
- જ્યાં પાણીની સમસ્યા છે એ તમામ વિસ્તારોમાં પૂરતા દબાણથી પાણી પૂરું પાડવું